જેમણે દેશને ફ્રેજાઇલ ફાઇવમાં ધકેલ્યો, તેમને ૭.૮%નો જીડીપી ગ્રોથ હજમ નથી થતો : પીએમ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026  |   3762

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતના તાજેતરના જીડીપીના આંકડાઓની ટીકા કરનારાઓ પર જાેરદાર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જે લોકો ભૂતકાળમાં દેશને ‘ફ્રેજાઈલ ફાઈવ’ (વિશ્વની સૌથી નબળી પાંચ અર્થવ્યવસ્થાઓ)ની યાદીમાં ધકેલવા માટે જવાબદાર હતા, તેઓ આજે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ઉભરતું જાેઈને તેને સહન કે પચાવી શકી રહ્યા નથી. દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી મહોત્સવને સંબોધતા વડાપ્રધાન મોદીએ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા ૭.૮ ટકાના આર્થિક વિકાસ દરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો અને વૈશ્વિક વેપારમાં વિક્ષેપ છતાં ભારતીય અર્થતંત્રે પોતાની મજબૂતી સાબિત કરી બતાવી છે. “૭.૮ ટકાના ત્રિમાસિક જીડીપી ગ્રોથે દેશના આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપી છે, પરંતુ જે લોકો ભારતને ‘ફ્રેજાઈલ ફાઈવ’માં ધકેલવા માટે કુખ્યાત થયા હતા, તેમને આ આંકડા હજમ કરવા ભારે પડી રહ્યા છે,” તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું. પોતાના ૨૦૧૩ના ચર્ચિત સંબોધનના ૧૩ વર્ષ પછી ફરી એકવાર શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના મંચ પરથી બોલતા વડાપ્રધાન મોદીએ તેમના જૂના ‘અડધા ભરેલા ગ્લાસ’ વાળા ઉદાહરણને યાદ કર્યું હતું. ૨૦૧૩માં તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોને ગ્લાસ અડધો ભરેલો દેખાય છે અને કેટલાકને અડધો ખાલી, પરંતુ તેઓ પોતે એ ગ્લાસને પૂરેપૂરો ભરેલો માને છે, જેમાં અડધું પાણી છે અને અડધી હવા.

આ જ કટાક્ષને આગળ ધપાવતા તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું, જે લોકો ૨૦૧૩માં દેશને અડધા ખાલી ગ્લાસની નજરે જાેતા હતા, તેઓ આજે પણ એ જ ચશ્મા પહેરીને બેઠા છે. તેમના માટે આ ગ્લાસ હંમેશા અડધો ખાલી જ રહેશે. હું અહીં માત્ર ગ્લાસની વાત કરી રહ્યો છું, બીજું કંઈ ખાલી રહી ગયું હોય તેની વાત નથી કરી રહ્યો.


‘ફ્રેજાઈલ ફાઈવ’થી લઈને સબળ અર્થતંત્ર સુધીની સફર 

૨૦૧૩ના આર્થિક અને રાજકીય વાતાવરણને યાદ કરતા પીએમ મોદીએ પોઈન્ટ આઉટ કર્યું હતું કે તે સમયે રૂપિયો અત્યંત નબળો હતો, ફુગાવો ૧૦ ટકાની આસપાસ હતો, ચાલુ ખાતાની ખાધ રેકોર્ડ સ્તરે હતી, ઔદ્યોગિક વિકાસ મંદ પડી ગયો હતો અને ‘પોલિસી પેરાલિસિસ’ (નીતિ વિષયક પક્ષઘાત) તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપોથી દેશ ઘેરાયેલો હતો. તે સમયે સીમા પર હિંસા અને આતંકવાદી હુમલાઓને કારણે ચોતરફ નિરાશાનું વાતાવરણ હતું. ત્યારે દુનિયા ભારતને ‘ફ્રેજાઈલ ફાઈવ’માં ગણતી હતી. આજે સમગ્ર વિશ્વ ભારતને સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા તરીકે આશ્ચર્યથી જાેઈ રહ્યું છે, તેમ મોદીએ કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે જીડીપીના તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારત માત્ર આર્થિક વિકાસ નથી કરી રહ્યું પરંતુ દેશમાં રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે.


‘માઈ-બાપ’ કલ્ચર ને ‘મેક ઈન ઈન્ડિયા’ના ટીકાકારોને રોકડો જવાબ

સરકારની યોજનાઓ વિશે વાત કરતા વડાપ્રધાને આક્ષેપ કર્યો હતો કે તેમના ટીકાકારો ગરીબો અને વંચિતોને ઔપચારિક બેંકિંગ સિસ્ટમ સાથે જાેડવાના પ્રયાસોનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે સામાન્ય નાગરિકો ‘માઈ-બાપ’ કલ્ચર (સત્તાધીશો પર ર્નિભર રહેવાની માનસિકતા)માં જ જીવતા રહે. પણ આ મોદી છે, જે આ ‘માઈ-બાપ’ કલ્ચરના સમર્થકો સામે ખડકની જેમ અડીખમ ઊભો છે, તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution