આણંદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. ૬ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી થશે, જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તેમજ ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે, જેની ૨ માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ વખતે દૂધનગરીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે, જેમાં આમ આદમીનો ઝોક કઈ પાર્ટી તરફ હશે? ભાજપ કે કોંગ્રેસ તે હમણાં કહેવું મુશ્કેલ છે. આણંદ નગરપાલિકાની ચૂંટણી ૨૮ ફેબ્રુઆરીએ થશે. આણંદ પાલિકાના કુલ ૧૩ વોર્ડમાં બાવન બેઠક માટે વિવિધ પક્ષના ઉમેદવારો મેદાનમાં ઝંપલાવશે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં છે. સાથે-સાથે પ્રાદેશિક પક્ષો અને અપક્ષના ઉમેદવારો જૂદાં. છેલ્લી ટર્મમાં કાઉન્સિલર પદ પર સત્તા ભોગવી ચૂકેલાં નેતાઓએ ફરી ટિકિટ મેળવવા માટે ગોઠવણ કરી લીધી છે. આણંદ શહેરના ૧૩ વોર્ડમાં અંદાજે ૩,૧૦,૦૦૦ મતદારો છે. દરેક વોર્ડમાં ૨૨થી ૨૪ હજાર મતદારો દ્વારા સંબંધિત વોર્ડના ચાર ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. છેલ્લાં ઘણાં સમયથી પૂર્વ કાઉન્સિલર્સ અને ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ પોતપોતાના મત વિસ્તારમાં ઘરે-ઘરે ફરીને સંપર્ક અભિયાન ક્યારનું આદરી દીધું છે. સત્તાપક્ષના કાઉન્સિલરોએ નગરના રોડ-રસ્તા, ગટરો, પાણી વગેરેના કામો પૂરાં કરવાની ચેલ્લે છેલ્લે રીતસર દોટ મૂકી હતી. 

આણંદ નગરપાલિકામાં છેલ્લાં બે દાયકાથી ભાજપની સત્તા છે. દર વખતે ભાજપ બહુમતીના જાેરે સત્તા મેળવે છે. ૨૦૦૧માં ભાજપે ભારે સંઘર્ષ કરીને પાલિકા કબજે કરી હતી. ત્યારથી સતત દૂધનગરીની પાલિકામાં કેસરિયો લહેરાતો આવ્યો છે. હવે આ વખતે ત્રિપાંખિયા જંગમાં જનતા કોની તરફ ઢળે છે એ જાેવાનું રહેશે. છેલ્લાં બે દાયકામાં દૂધનગરીનો ટેસ્ટ ઘણો બદલાઈ ગયો છે. છેલ્લે કોરોના મહામારીની સ્થિતિ બાદ પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. શહેરના છેવાડાના વિસ્તારો અને પૂર્વ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખે છે. આ વિસ્તારોમાં જાેઈએ તેવી કામગીરી કરવામાં સત્તાપક્ષ નબળો પૂરવાર થયો છે. શહેરના મધ્યભાગમાં ભાજપનું ભારે વર્ચસ્વ છે. અહીંના છ વોર્ડમાં ભાજપના જ ઉમેદવારો ચૂંટાઈ છે. બાકીના સાત વોર્ડમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. આ વખતે આણંદ શહેરમાં નવાં મતદારો ઉમેરાતા અંદાજે પોણા બે લાખ મતદારો દ્વારા નગરપાલિકાની સત્તાનું ભાવિ નક્કી કરશે. ખાસ કરીને આણંદ શહેરના વોર્ડ નં.૨, ૩ અને ૪, ૫ને પૂર્વ વિસ્તારમાં ભારે સંઘર્ષ જાેવાં મળે છે. વોર્ડ નં. ૧૨, ૧૩માં પણ આ જ રીતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાય છે.

ભાજપ સંગઠનમાં મોટાં ફેરફારોની અસર આણંદમાં સ્થાનિક ચૂંટણીઓમાં જાેવાં મળશે?

ચૂંટણી માથા પર હતી એટલે હાલમાં આણંદના મોટાભાગના વોર્ડમાં વિકાસના કામો ચાલી રહ્યાં છે. જાેકે, દર વખતે થોડો ગણગણાટ જાેવાં મળે જ છે. જાેકે, આ વખતે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે ચાર્જ સંભાળ્યાં બાદ તેની અસર આણંદમાં પણ જાેવાં મળી હતી. આણંદમાં પણ ભાજપ સંગઠનના માળખામાં મોટાં ફેરફારો જાેવાં મળ્યાં છે.

આણંદ સંગઠનમાં યુવાનોને જગ્યાં મળી તેમ જૂનાં કાઉન્સિલરો કપાશે?

સી.આર.પાટીલે ચાર્જ સંભાળ્યાં બાદ આણંદમાં પણ ભાજપ સંગઠનના માળખામાં મોટાં ફેરફારો જાેવાં મળ્યાં છે. એવું મનાઈ રહ્યું છે કે, આ વખતે ભાજપ મોવડી મંડળ દ્વારા વર્ષોથી ચૂંટાતા કાઉન્સિલરોની જગ્યાએ નવાં યુવકોને તક આપવાનું વિચારી રહી છે. હવે જાેવાનું એ રહે છે કે, ભાજપનું વર્ચસ્વ ધરાવતાં વોર્ડમાં કેવો ફેરફાર થાય છે?

કોંગ્રેસે પણ એડીચોટીનું જાેર લગાવ્યું!

બીજી બાજુ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ વખતે પોતાની બેઠકો વધારી સત્તા મેળવવા એડીચોટીનું જાેર લગાવવામાં આવશે. જાેકે, બંને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારીની પસંદગી માટેનો આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા એકાદ-બે દિવસમાં જ ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોને સાંભળવામાં આવશે.