મુંબઈ-

આજે પણ શેરબજાર તેજી સાથે બંધ થયું છે. બીએસઈ સેન્સેક્સ 392.92 પોઇન્ટના ઉછાળા સાથે 52,699 અને એનએસઈ નિફ્ટી 103.50 પોઇન્ટ વધીને 15,790.45 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. રિલાયન્સ એજીએમ બેઠક હોવા છતાં, તેના શેરમાં આજે ઘટાડો નોંધાયો છે. રિલાયન્સનો શેર 2.35 ટકા અથવા રૂ 51.75 ઘટીને 2153.35ના સ્તર પર બંધ થયા છે. આજે ટ્રેડિંગ દરમિયાન, આ શેર 2215ના ઉચ્ચત્તમ સ્તર અને 2140ની નીચી સપાટીએ ગયા હતા.

આજની તેજી પછી બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને રૂ 229.37 લાખ કરોડ થઈ છે. 23 જૂને આ માર્કેટ કેપ રૂ 228.72 લાખ કરોડ હતી. આ રીતે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 65 હજાર કરોડનો વધારો થયો છે. રિલાયન્સની વાત કરીએ તો તેની માર્કેટ કેપ 13 લાખ 87 હજાર 952 કરોડ રૂપિયા પર બંધ થઈ ગઈ છે. રિલાયન્સના રોકાણકારોને આજે લગભગ 33,522 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

રિલાયન્સ બોર્ડમાં સમાવિષ્ટ આરામકોના અધ્યક્ષ

આજે દરેકની નજર રિલાયન્સની એજીએમ મીટિંગ પર હતી. સાઉદી અરામકોના અધ્યક્ષ યાસીર અલ-રુમાયાનને આજે રિલાયન્સ બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય જિયો અને ગૂગલની ભાગીદારીમાં બનેલા નવા સ્માર્ટફોન જિઓ ફોન નેક્સ્ટને પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં તેની કિંમતો જાહેર કરવામાં આવી નથી.

જિઓએ 5 જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ગૂગલ દ્વારા સંયુક્ત રીતે વિકસિત જિઓફોન 'નેક્સ્ટ' જીયો 10 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી પર ઉપલબ્ધ થશે, જે વૈશ્વિક સ્તરે સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. ગયા વર્ષે રિલાયન્સ જિઓએ ગૂગલ સાથે ભાગીદારીની ઘોષણા કરી હતી.

ગ્રીન એનર્જી ઉપર રિલાયન્સનો ધડાકો

આ સિવાય રિલાયન્સે ઉર્જા ક્ષેત્રમાં પ્રવેશની ઘોષણા કરી હતી. શરૂઆતમાં ઉર્જા ક્ષેત્રે કુલ 75 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. આ માટે Reliance New Energy Council ની રચના કરવામાં આવી છે. જામનગરમાં 5000 એકરમાં ધીરુભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બનાવવાની કંપની તૈયારી કરી રહી છે. રિલાયન્સનું લક્ષ્ય છે 100 ગિગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવુ.