લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓગ્સ્ટ 2026 |
2277
અમદાવાદ શહેરમાં લાંચિયા સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના લાલ દરવાજા સ્થિત રાજ્ય વેરા વિભાગની ઘટક-૬ ની કચેરીમાં ખેડા એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને સપાટો બોલાવ્યો છે. જેમાં સ્ટેટ ટેક્ષ ઓફિસર કમલેશકુમાર ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક મોહમંદ અઝીઝ મન્સુરી રૂ. ૨૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં સરકારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ફરિયાદીની કંપની દ્વારા જીએસટી રિટર્ન અને નિયમિત ટેક્સ ન ભરાયો હોવાથી વેરા વિભાગ દ્વારા તેમનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ સીઝ થયેલું બેન્ક એકાઉન્ટ ફરી ચાલુ (અનફ્રીઝ) કરવાના બદલામાં બંને અધિકારીઓએ ફરિયાદી પાસે રૂ. ૨૫,૦૦૦ ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક ખેડા એસીબીનો સંપર્ક સાધ્યો હતો.ફરિયાદીની અરજીના આધારે એસીબી દ્વારા લાલ દરવાજા કચેરીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન બંને અધિકારીઓએ પરસ્પરની સંમતિથી રૂ. ૨૫,૦૦૦ સ્વીકારતા જ ખેડા એસીબીની ટીમે તેઓને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.