લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026 |
5742
રશિયા-યુક્રેન યુદ્ધના ચોથા વર્ષમાં પ્રવેશેલા સંઘર્ષ વચ્ચે યુક્રેને રશિયાના અત્યંત અંદરના વિસ્તારો પર દૂરગામી ડ્રોન હુમલા તેજ કરી દીધા છે. યુક્રેનની સરહદથી ૧૨૦૦ કિલોમીટર દૂર આવેલા રશિયાના તાતારસ્થાન ક્ષેત્રના નિઝનેકામસ્ક શહેર પર સોમવારે એક મોટો ડ્રોન હુમલો થયો હતો. આ હુમલામાં ૧૨ લોકોના મોત થયા છે જ્યારે ૩૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઔદ્યોગિક તેમજ નાગરિક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
નિઝનેકામસ્ક શહેર રશિયાનું એક અત્યંત મહત્વપૂર્ણ તેલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કેન્દ્ર માનવામાં આવે છે. આશરે ૨.૪૦ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં રશિયાની સૌથી એડવાન્સ ટાટનેફ્ટની ટેનકો રિફાઇનરી સહિત બે મોટી તેલ રિફાઇનરીઓ અને એક પેટ્રોકેમિકલ પ્લાન્ટ આવેલો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં રિફાઇનરી ક્ષેત્રમાંથી કાળા ધુમાડાના ગોટા ઉડતા જાેઈ શકાય છે. તાતારસ્થાનના વડા રુસ્તમ મિન્નિખાનોવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.