01, સપ્ટેમ્બર 2025
સુરત |
1881 |
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ન્યૂ કોસાડ રોડ પરની એક બહુમાળી ઈમારતના બીજા માળે ચાલતી નેઈલ પોલિશની ફેક્ટરીમાં અચાનક ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવમાં કંપનીનો વોચમેન ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બનાવ અંગે અમરોલી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવીને તેનુ કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે.
સુરતનાં અમરોલી વિસ્તારમાં ન્યૂ કોસાડ રોડ પર આવેલી એક બિલ્ડિંગનાં બીજા માળે ચાલતા નેઇલ પોલિશનાં કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધૂમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કારખાનામાં કેમિકલયુક્ત નેઇલ પોલિશ બનાવવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી છે. આ દુર્ઘટનામાં કારખાનાનાં વોચમેનનું મોત નીપજ્યું છે.
નેઇલ પોલીસના કારખાનામાં આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન, કારખાનાનાં વોચમેન જેમીશ વીરડિયા બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. વોચમેનના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવો અથવા દાઝી જવાને કારણે મૃત્યુ થયું હોવાનું અનુમાન છે.