મધરાત્રે ઘરોમાં પાણી ઘૂસ્યા અને પ્રમુખે હાથ અદ્ધર કરી દીધાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026  |   693

વલસાડ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં તાજેતરમાં આવેલ પૂર, ભારે વરસાદ અને પ્રી-મોન્સૂન કામગીરીમાં નગરપાલિકા તંત્રની ઘોર નિષ્ફળતા સામે જનતામાં ભારે આક્રોશ વ્યાપેલો છે, જેનો પડઘો સામાન્ય સભામાં સ્પષ્ટપણે સાંભળવા મળ્યો હતો. શાસક પક્ષ ભાજપના જ જાગૃત કાઉન્સિલરોએ તંત્રની લાપરવાહી અને પોતાના જ પક્ષના હોદ્દેદારોની નિષ્ક્રિયતા સામે બાંગ પોકારીને સત્તાધીશોને ભારે અસ્વસ્થ કરી મુક્યા હતાં.

સામાન્ય સભા શરૂ થતાં જ શાસક પક્ષના કાઉન્સિલર જ્યોત્સના રાઠોડે પાલિકાના વહિવટ અને પ્રમુખ/હોદ્દેદારો સામે સીધા ચાબખા માર્યા હતાં. તેમણે વાપી નગરપાલિકાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, બાજુમાં વાપીમાં યોગ્ય સમયે સામાન્ય સભા યોજી ર્નિણયો લેવાય છે, તો આપણે ત્યાં જ કાયમ વિલંબ કેમ થાય છે. સમયસર કામો મંજૂર ન થવાને કારણે સરેરાશ એક-એક વર્ષ સુધી વિકાસકામો અટકી પડે છે. સભા દરમિયાન છીપવાડનું રેલવે ગરનાળું સળંગ ૧૫ દિવસ સુધી બંધ રહેતા નાગરિકોને પડેલી અસહ્ય હાલાકીનો મુદ્દો જોરશોરથી ઉછળ્યો હતો. પૂર ઓસર્યા બાદ પણ છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળાની યોગ્ય સફાઈ અને સમારકામ ન થતાં સમગ્ર શહેરમાં રોગચાળો ફેલાવાનો ગંભીર ભય ઊભો થયો છે. આથી, તંત્ર દ્વારા માત્ર વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો સાથે સભ્યોએ આક્રોશ ઠાલવ્યો હતો.

બીજી તરફ કાઉન્સિલર ઉર્વશી પટેલે પૂરની હોનારત વખતે પાલિકાની લાપરવાહીની પોલ ખોલતા આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે,વરસાદ અને પૂરની આગાહી હોવા છતાં પાલિકાએ શું પૂર્વ તૈયારીઓ કરી હતી, તેવા સવાલો કરી સભા ગજવી હતી. તેમણે વેધક રજૂઆત કરતાં જણાવ્યું હતું કે રાત્રે ૩-૩ વાગ્યે લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં મહિલાઓ અને બાળકો અગાશી પર ચડીને જીવ બચાવી રહ્યાં હતાં. આવા ભયાનક સમયે તેમણે પોતે પાલિકા પ્રમુખ માલતી ટંડેલને મદદ માટે ફોન કર્યા હતાં, પરંતુ પ્રમુખે સવારે એવો બેજવાબદાર જવાબ આપ્યો કે, આપણે કંઈ કરી શકીએ નહીં. આટલી મોટી આપત્તિમાં નગરપાલિકા તરફથી કોઈ સહાય ન મળતાં આખરે એનડીઆરએફ અને સ્થાનિક રહિશોએ જ એકબીજાને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતાં. સભામાં વાતાવરણ ત્યારે વધુ ઉગ્ર બન્યું જ્યારે મોગરાવાડીના પ્રશ્ને ચર્ચા ચાલી રહી હતી.

આ દરમિયાન મહિલા સભ્ય જ્યોત્સના રાઠોડ અને પાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા સામસામે આવી ગયા હતા. ઉપપ્રમુખ આશુતોષ મિશ્રાએ મર્યાદા નેવે મુકી મહિલા સભ્ય સાથે અત્યંત અશોભનીય અને અભદ્ર વર્તન કર્યું હતું. જેને પગલે બંને ભાજપી સભ્યો વચ્ચે તીખી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ભાજપી સભ્ય નિતેશ વશીએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, હાલર વિસ્તારમાં છેલ્લાં છ મહિનાથી વાસ મારતું પાણી આવે છે અને નવા કનેક્શન માટે ૩-૩ મહિના રાહ જોવી પડે છે. વોટર વર્ક્સ ચેરમેન અમિત દેસાઈએ વોટર વર્ક્સ ખાતે સરદારજીને તેમનાં ૧૫ માણસો લાવવા સ્પષ્ટ સૂચના છે, અમે પાલિકામાં લેખિત જણાવ્યું છે તેમ છતાં એક પણ માણસ આવતાં ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

આમ, પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના જ કાઉન્સેલરો અને સભ્યોએ પાલિકાના વિકાસકામો, પ્રી-મોન્સૂન કામગીરી અને પૂર બાદની સફાઈમાં કરવામાં આવેલી વેઠની પોલ ઉઘાડી પાડી હતી. જેને પગલે પાલિકા પ્રમુખ માલતી ટંડેલ અને મુખ્ય હોદ્દેદારો ભારે અસ્વસ્થ અને બઘવાઈ ગયેલા નજરે પડ્યાં હતાં. જ્યારે ઘણાં પ્રશ્નોના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ જવાબો આપી સભ્યોનો રોષ શાંત પાડવા પ્રયાસો કર્યા હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution