લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુલાઈ 2026 |
3465
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે ૨૦ જુલાઈએ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસદ માર્ચમાં ઘાયલ પ્રદર્શનકારીઓની સારવાર કરવામાં આવે. કોર્ટે કેન્દ્રને કહ્યું કે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન તૈનાત RAFના હથિયારો અને દારૂગોળાના ઉપયોગનો સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી મોહનની બેન્ચે પેલેટ ગનના ઉપયોગ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે પોલીસ વિશેષ પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરી શકે છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પેલેટ ગનના ઉપયોગની મંજૂરી આપતા પોલીસ નિયમોને પડકારવામાં ન આવે, ત્યાં સુધી તેના પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવો મુશ્કેલ છે. કોર્ટે તેના ઉપયોગ સંબંધિત માર્ગદર્શિકા પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. પૂર્વ આઇપીએસ અધિકારી યશોવર્ધન આઝાદ, પ્રશાંત કુમાર સિંહ અને શેખ ઇરશાદ મન્સૂરી (બંને પીડિતો)એ અરજીમાં પેલેટ ગન પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે સંસદ માર્ચમાં રેપિડ એક્શન ફોર્સ એ વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવી હતી.
પેપરની ચોરી કરનાર બચતા રહ્યા, મહેનત કરનાર માર ખાતા રહ્યા
રાજ્યસભામાં પબ્લિક એક્ઝામિનેશન (સંશોધન) બિલ, ૨૦૨૬ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ ભારે હોબાળો મચ્યો હતો. ખડગેએ પેપર લીક મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. જે બાદ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો. મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણની શરૂઆત શાયરીથી કરી અને પેપર લીકની ઘટનાઓને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, પેપરની ચોરી કરનાર બચતા રહ્યા, મહેનત કરનાર માર ખાતા રહ્યા, આ કેવો ન્યાય, આ કેવી રીત, ગુનેગાર હસતા રહ્યા, માસૂમ રડતા રહ્યા. તેમણે કહ્યું કે, હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે પેપર લીકના કારણે હજારો વિદ્યાર્થીઓને નુકસાન થયું. હજારો માતા-પિતાઓ, હજારો મહિલાઓ અને બાળકો પરેશાન થયા છે અને માત્ર કડક કાયદો લાવવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.
સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાઈલેવલ કમિટી બનાવવાની વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની માગ
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૨૦ જુલાઈએ વિદ્યાર્થીઓના આંદોલનમાં કથિત પેલેટ ગનનો ઉપયોગ કરવા મામલે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગ કરીને કહ્યું કે, આ સમગ્ર ઘટના મામલે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ સ્વતંત્ર હાઈલેવલ કમિટી બનાવવાની તપાસ થવી જાેઈએ. દેખાવો દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા શેખ ઈરશાદ મંસૂરીનો મેડિકો લીગલ કેસ રિપોર્ટ સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું છે કે, ‘વિદ્યાર્થીઓને ન્યાય મળવો જાેઈએ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક સ્વતંત્ર હાઈ કમિટીની રચના કરવી જાેઈએ અને વિદ્યાર્થીઓ પર થયેલી કથિત બર્બરતાની તપાસ થવી જાેઈએ.