કાયદાનું જાહેરમાં વસ્ત્રાહરણ કરનાર નકુમને સાચવવાની સરકારની શું મજબૂરી છે ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓગ્સ્ટ 2026  |   2475

સિંઘમગીરી હિન્દી ફિલ્મોમાં જ સારી લાગે તે વાતનું પ્રમાણભાન સુરતનાં ડીસીપી નકુમ અને સરકારને થાય તો હાઇકોર્ટની ટકોર લેખે લાગશે. સરકારનાં માનીતા અને ખાસકરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં લાડકવાયા મનાતા રાજદીપસિંહ નકુમને આરોપીઓને જાહેરમાં ફટકારવાનો અને જાતે સિંઘમ બનીને ફટકારતા હોય તેવી રીલ બનાવીને વાયરલ કરવાનો લાગેલો ચસ્કો હવે સરકારને ભારે પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશનકાંડમાં મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી નકુમની ભૂમિકા પણ શંકાસ્પદ હતી પરંતુ હાઇકોર્ટની ફટકાર પછી નાગરાજનની બદલી કરી પરંતુ નકુમને સરકારે સુરત શહેરમાં સાચવી રાખ્યાં હતાં. સરકારની એવી તે કઇ મજબુરી હતી કે હાઇકોર્ટે આકરાં શબ્દોમાં ટીપ્પણી કરતાં નામોશી વ્હોરવી પડી છતાં નકુમને સુરત શહેરની બહાર બદલી કરવામાં ખચકાટ અનુભવાય છે.

પોલીસ અધિકારીઓ અને તેમાં પણ નાયબ પોલીસ કમિશનર અને તેનાથી ઉપરની રેન્કનાં અધિકારીઓ તો કાયદાનું રક્ષણ અને પાલન કરવા માટે બંધાયેલાં છે પરંતુ સિંઘમ બનવાનો શોખ ધરાવતાં ડીસીપી નકુમે આરોપીઓને જાહેરમાં વાળ પકડી તમાચા મારવા ઉપરાંત લાકડીથી ફટકારીને કાયદા અને સુપ્રીમકોર્ટ, હાઇકોર્ટનાં આદેશોનું જાહેરમાં વસ્ત્રાહરણ કર્યું છે. આરોપીએ ગંભીર ગુનો કર્યો હોય તો તેની તલસ્પર્શી તપાસ થાય અને પુરતાં પુરાવા મેળવીને તપાસ ઝડપથી પૂર્ણ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી બનતી ત્વરાએ સજા મળે તેવી કાર્યપદ્ધતિ વિકસાવવાથી આરોપીઓમાં કાયદાનો ખોફ વધે પરંતુ પોલીસ તપાસમાં જ છીંડાં મૂકે તો પછી આરોપીને શંકાનો લાભ મળે અને નિર્દોષ છૂટી જાય તો આરોપીમાં કાયદાનો ડર ના રહે તે સ્વાભાવિક બાબત છે.

ડીસીપી નકુમ જેવા અધિકારીઓ એવું માને છે કે, જાહેરમાં ધબેડી નાંખવાથી આરોપીઓમાં કાયદાનો ડર પેદા થાય છે પણ એ માન્યતા નકુમ જેવાં અધિકારીઓનું સત્ય છે પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી. જાે આવી રીતે પોલીસ અધિકારીઓ જ અદાલતોનાં અસ્તિત્વને કોરાણે મૂકી કાયદો હાથમાં લઇને જાહેરમાં ન્યાય તોળવા લાગશે તો હારાકીરી સર્જાશે.

ડીસીપી નકુમે દાખવેલી સિંઘમગીરી મુદ્દે સુરતનાં પોલીસ કમિશનરને પણ એટલાં જ જવાબદાર લેખાવી શકાય કારણ કે, ૧૪મી જુલાઇએ નકુમે જાહેરમાં આરોપીઓને ફટકારીને તેનો વિડીયો રેકર્ડ કરાવી રીલની થ્રિલ માણી તેની પોલીસ કમિશનરને જાણ થઇ હોવા છતાં માત્ર પ્રાથમિક તપાસનું નાટક કર્યા સિવાય કોઇ નક્કર પગલાં તેમણે ભર્યાં નથી કે બે મહિના પછી પણ પ્રાથમિક તપાસનો અહેવાલ જાહેર કરી શક્યાં નથી.

ડીસીપી નકુમ માટે આરોપીઓને ફટકારવાનું કામ નવું નથી, હવે તેમનો શોખ બની ગયો છે. જ્યારથી નાયબ મુખ્યમંત્રીએ આરોપીઓની ચાલ બદલવાની વાત કરી ત્યારથી ડીસીપી નકુમ અને તેમની ટીમે પોલીસ મહાનિર્દેશક સહિત કોઇની પરવા કર્યા વિના આરોપીઓનું સરઘસ કાઢવાની અને જાહેરમાં ફટકારવાની ઇન્ટેન્સિટી બમણી કરી દીધી અને આખરે સરકારે હાઇકોર્ટમાં નામોશી વ્હોરવાનો વારો આવ્યો છે. નકુમની માત્ર બદલી કરવાથી નહીં પરંતુ તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તો જ સિંઘમ બનવા માટે થનગની રહેલાં અન્ય અધિકારીઓને બોધપાઠ મળે અને તેમને પણ કાયદાનું ભાન કરાવી શકાય. હાઇકોર્ટની ફટકાર પછી નકુમની બદલી નહીં થાય તો જ નવાઇ ગણાશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution