વીતેલું વર્ષ તમને ફળ્યું એ બદલ અભિનંદન એવું કોઈને કહીએ તો એ જરુર મજાક જ લાગે, પણ દુનિયામાં અનેક લોકોને અને ખાસ કરીને ફાર્મસી અને તબીબી ક્ષેત્રને સંલગ્ન વ્યવસાય ધરાવતા અનેક લોકોને વસમું મનાતું ૨૦૨૦ પણ ફળ્યું છે, એ તમને આ લેખ વાંચીને ખાતરી થઈ જશે.


કોરોના મહામારીને પગલે સમગ્ર દુનિયા અને ખાસ કરીને બિઝનેસની દુનિયા તો માનો કે હેન્ગ જ થઈ ગઈ હતી અને દુનિયાનો એકંદર વિકાસ ૫ ટકા સુધી તૂટી જવાનો અંદાજ છે, છતાં આ જ વર્ષમાં કેટલાંક લોકોએ એટલી આર્થિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે કે એકાદ વર્ષ પહેલાં માંડ જેને કોઈ ઓળખતું હતું એમનો સમાવેશ ફોર્બ્સની અબજાેપતિની યાદીમાં કરવામાં આવ્યો છે. ફોબ્ર્સે આ રસપ્રદ માહિતી આપતાં કહ્યું છે કે, આરોગ્ય સેક્ટરમાં ૧૧ દેશોના ૫૦ લોકોને ગત વર્ષ ખૂબ ફળ્યું છે, જાે કે, ફરીથી તેમાંય ચીન નંબર મારી ગયું છે. આવા ટોચના ૫૦ લોકોમાં ૩૦ ચીનના લોકો છે.

સાયરસ પૂનાવાલાનો પણ સમાવેશ


સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા એ રસી બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની છે. તેના ચેરમેન સાયરસ પૂનાવાલાની સંપત્તિ ૧૧.૫ અબજ ડોલર્સ છે, જે એક વર્ષમાં બમણી થઈ ગઈ છે. હુરુન સંશોધનના આંકડા મુજબ, તેઓ સૌથી ઝડપે મિલ્કત વધારવામાં ગત વર્ષે પાંચમા નંબર પર હતા અને તેઓ વિશ્વમાં સૌથી ધનિકોમાં ૮૬મા ક્રમે પહોંચી ગયા હતા.

ઉગુર સાહિનની કંપનીના શેર ૧૬૦ ટકા વધી ગયા


બાયોએનટેકના સીઈઓ ઉગુર સાહિનને એકાદ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ જાણતું હતું. તેમની કંપનીએ અમેરીકન ફાર્મા કંપની ફાયઝરની સાથે મળીને વેક્સીન બનાવી છે, જેને અમેરીકન સરકારે ૯૫ ટકા સુધી અસરકારક માની છે. સાહિન પાસે કંપનીના ૧૭ ટકા શેર છે અને ગયા વર્ષે આ કંપનીના શેરોમાં ૧૬૦ ટકાનો વધારો થયો છે. આમ તેમની સંપત્તિમાં વધારો થતાં તે હવે ૪.૨ અબજ ડોલર્સ પર પહોંચી ગઈ છે.

સ્ટીફન બંસલની કંપનીના શેરો ૫૫૦ ટકા ઉછળ્યા


મોડર્નાના ફ્રેંચ મૂળના સીઈઓની નેટવર્થ પણ ૪.૧ અબજ ડોલર્સ થઈ ગઈ છે. તેમની પાસે કંપનીના ૬ ટકા શેર છે અને છેલ્લા એક વર્ષમાં તેમાં ૫૫૦ ટકા સુધી ઉછાળો આવ્યો છે. અમેરીકી રેગ્યુલેટરોએ ફાયઝર પછી મોડર્નાની વેક્સીનને જ મંજૂરી આપી છે.મોડર્નાના આરંભકાળે હાવર્ડના પ્રોફેસર ટિમોથી સ્પ્રિંગર અને એમઆઈટીના સાયન્ટીસ્ટ રોબર્ટ લેંગરે પણ રોકાણ કર્યું હતું. આ બંને જણા પણ હવે અબજાેપતિ બની ગયા છે.

પ્રેમચંદ ગોધાની નેટવર્થ૧.૪ અબજ ડોલર્સ થઈ


ખાલી વેક્સીન બનાવનારા લોકોની નેટવર્થમાં જ વધારો થયો એવું પણ નથી. આવી કેટેગરીમાં પહેલાં પ્રેમચંદ ગોધાની વાત કરીએ. તેમની ઈપ્કા લેબ કંપની જેનેરીક દવાઓનું ઉત્પાદન કરે છે, એટલે કે, વ્યાપક વપરાશની દવાઓનું મોટાપાયે ઉત્પાદન કરે છે. પરંતુ કોરોનાના આરંભકાળે મેલેરીયાની દવા હાઈડ્રોક્સિ ક્લોરોક્વિનના વેચાણમાં એકાએક ઉછાળ આવતાં તેમની કંપનીના શેરોમાં ૯૦ ટકાનો વધારો થયો હતો. તેનો ફાયદો ગોધાને થયો અને તેમની સંપત્તિ ૧.૪ અબજ ડોલર્સ થઈ ગઈ. ડબલ્યુએચઓએ ત્યારબાદ જણાવ્યું હતું કે, હાઈડ્રોક્સિ ક્લોરોક્વિનની જરુર નથી.

બાવરી બ્રધર્સની સંપત્તિ ૧.૩ અબજ ડોલર્સ


ગીરધારીલાલ બાવરી, બનવારીલાલ બાવરી અને રાજેન્દ્ર અગ્રવાલ એમ ત્રણ ભાઈઓની ફાર્મા કંપની મેકલોડ ફાર્માસ્યુટીકલ્સ પણ દેશની ટોચની ૧૦ ફાર્મા કંપનીઓમાંની એક છે અને હાલ શેર બજારમાં લિસ્ટેડ ન હોવા છતાં, તે અસ્થમા, ડાયાબિટીઝ અને ઓસ્ટીઓપોરોસીસ જેવા રોગોની દવાઓ બનાવતી હોવાને લીધે ચાલુ વર્ષે તેમની નેટવર્થ પણ ૧.૩ અબજ ડોલર્સ થઈ ગઈ હતી.

કંપની લિસ્ટ થતાંની સાથે જ નેટવર્થ ૩ અબજ

કાર્લ હેન્સનની કેનેડીયન કંપનીનો બિઝનેસ એન્ટીબોડી ટ્રીટમેન્ટની સાથે સંકળાયેલો છે. ૧૧મી ડિસેમ્બરે તેમની કંપનીના શેર બજારમાં લિસ્ટ થયા અને સીઈઓ કાર્લ હેન્સન જે કંપનીમાં ૨૩ ટકાની હિસ્સેદારી ધરાવે છે, તેમની સંપત્તિ ૩ અબજ ડોલર્સની થઈ ગઈ હતી. હેન્સન ૨૦૧૯ સુધી બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભણાવતા હતા.

સર્જીયો સ્ટીવાનાટોઃ વેક્સીન વાયલ વેચીને અબજાેપતિ


 વેક્સીનના સપ્લાયને માટે કરોડો વાયલ્સની જરુર પડતી હોય છે. ઈટાલીના સર્જીયો સ્ટીવાનાટોની કંપની એ જર્મન કંપની શોટ પછી દુનિયાની સૌથી મોટી વેક્સીન વાયલ બનાવનારી કંંપની છે.તેમના બિઝનેસમાં પણ વધારો થતાં તેઓ હવે ૧.૮ અબજ ડોલર્સની સંપત્તિના માલિક બની ગયા છે.

અગસ્ત ટ્રોએન્ડલ રીસર્ચથી અબજાેપતિ બન્યા

અમેરીકન કંપની મેટપેસ મોટી કંપનીઓને રીસર્ચમાં મદદ કરે છે. ગયા વર્ષે તેના શેરમાં ૭૦ ટકાનો વધારો થઈ ગયો છે. તેને પગલે તેના સીઈઓ અગસ્ત ટ્રોએન્ડલની નેટવર્થ હવે ૧.૩ અબજ ડોલર્સ થઈ ગઈ છે.

હુ કુનની ચાઈનીઝ કંપનીના શેરમાં ૧૫૦ ટકાનો વધારો


ચાઈનીઝ કંપની કોન્ટેક મેડિકલ સિસ્ટમના ચેરમેન હુ કુન છે, અને તેમની કંપનીનું ગયા વર્ષે જ શેનઝેન સ્ટોક એક્સચેંજમાં લિસ્ટીંગ થયું હતું. તેમની કંપનીના શેરોમાં દોઢસો ટકાનો વધારો થઈ જતાં તેમની નેટવર્થ ૩.૯ અબજ ડોલર્સ થઈ ગઈ છે.