લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026 |
4257
નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં એક પ્રોફેસર પર જાતીય સતામણીના ગંભીર આરોપો લાગ્યા છે. ૧૦ વિદ્યાર્થીનીઓએ આ પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર તપાસ યુનિ.ની ઇન્ટરનલ કમ્પ્લેટ્સ કમિટી (ICC)) ને સોંપવામાં આવી છે. આ ફરિયાદો આશરે એક મહિના પહેલા નોંધાવવામાં આવી હોવાનું જણાવાઇ રહ્યું છે. જેમાં શરૂઆતમાં એક વિદ્યાર્થીની દ્વારા ફરિયાદ કરાયા બાદ અન્ય વરિષ્ઠ વિદ્યાર્થીઓએ પણ આગળ આવીને સમાન આક્ષેપો કર્યા હતા. ફરિયાદોમાં એવો પણ ખુલાસો થયો છે કે પ્રોફેસરે કેટલાક વિદ્યાર્થીઓને કેમ્પસ સ્થિત પોતાના નિવાસસ્થાને યોજાતી બેઠકોમાં બોલાવ્યા હતા. ત્યાં કથિત રીતે તેમણે વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય જાતીય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપો છે. કેટલાક વિદ્યાર્થીઓ એવો પણ આક્ષેપ કર્યો છે કે પ્રોફેસર ક્લાસ દરમિયાન અશોભનીય અને અપમાનજનક ટિપ્પણીઓ કરતા હતા. આ આરોપોની હજુ સુધી સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને મામલો હાલICC સમક્ષ પ્રોસેસમાં છે. શરૂઆતની ફરિયાદ બાદ અન્ય વિદ્યાર્થીઓ પણ સામે આવતા આ મામલાનો વિવાદ વ્યાપક બન્યો છે. JNUવહીવટી તંત્ર અને કુલપતિ કાર્યાલય તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.ICC ની તપાસ કયા તબક્કે પહોંચી છે અને સમિતિ દ્વારા શું પગલાં લેવાયા છે તે સ્પષ્ટતા થઈ નથી. સમગ્ર સ્થિતિ હવે આંતરિક સમિતિના તપાસ અહેવાલ અને તેના નિષ્કર્ષ પર આધારિત રહેશે.