દિલ્હી-

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન આગળથી વિસ્ફોટક એવા જિલેટિન ભરેલી સ્કોર્પિયો ગાડી મળી આવતા દેશભરમાં સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનાની હજી તપાસ આરંભાઈ જ છે ત્યાં કેરળમાંથી એક ટ્રેનમાંથી મહિલા પાસેથી જિલેટીન રોડ અને ડિટોનેટરનો જથ્થો મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પરથી એક પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટકોનો આખો જથ્થો મળી આવ્યો છે. રેલવે સુરક્ષા બળોએ ટ્રેનમાંથી એક મહિલા પાસેથી અધધ 100થી પણ વધારે જિલેટિન રોડ અને 350 જેટલા ડિટોનેટર્સ જપ્ત કર્યા છે. ગઈ કાલે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મુંબઈના માલાબાર હિલ ખાતે આવેલા ઘરની નજીકથી જ એક 20 જિલેટિન રોડ ભરેલી એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનાના પડઘા હજી શાંત પણ નથી પડ્યાં ત્યાં કેરળના કોઝિકોડ ખાતેથી એક મહિલા 100 જિલેટિન રોડ અને ૩350 ડિટોનેટર્સ સાથે ઝડપાઈ છે. કોઝિકોડ રેલવે સ્ટેશન પર ચેન્નઈ-મંગલાપુર એક્સપ્રેસ – 02685માંથી વિસ્ફોટકોનો આખો જથ્થો મળી આવ્યો છે.

ટ્રેનમાં આટલી મોટી માત્રમાં વિસ્ફોટકો મળી આવતા પોલીસે મહિલાની ધરપકડ કરી છે. મહિલા તમિળનાડૂ જઈ રહી હ્‌તી. ટ્રેનમાં મહિલાની સીટ નીચેથી આ વિસ્ફોટકો મળી આવ્યા હતાં. મહિલા આ વિસ્ફોટકો કુવો ખોદવા માટે લીધા હોવાનું જણાવ્યું હતું. રેલવે પોલીસને મહિલાની આ વાત પર વિશ્વાસ નથી. જેથી મહિલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.