દિલ્હી-

એક અકસ્માતે બ્રેઈન ડેડ થઈ ગયેલી દિલ્હીની ૨૦ મહિનાની બાળકીનું નામ ભારતની સૌથી નાની ઉંમરની અંગદાન કરનારી બાળકી એટલે કે  ઓર્ગન ડોનર તરીકે નોંધાયું છે. દિલ્હીના રોહિણી વિસ્તારમાં ૮ જાન્યુઆરીએ ફ્લૅટની બાલ્કનીમાંથીનીચે પડી જતાં બ્રેઇન-ડેડ થઈ ગયેલી ઘનિષ્ઠાએ ઑર્ગન ડોનેશન કરીને પાંચ દર્દીઓનાં જીવ બચાવ્યા છે.

ચાલુ માસની આઠમી તારીખે ધનિષ્ઠા બાલ્કનીમાંથી પડી ગયા પછી તેને દિલ્હીની ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ડૉક્ટરોએ ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ એમાં તેમને સફળતા નહોતી મળી. ૧૧ જાન્યુઆરીએ ડૉક્ટરોએ ઘનિષ્ઠા બ્રેઇન-ડેડ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. ત્યાર પછી તેના પિતા આશિષકુમાર અને માતા બબીતાએ સંતાનના કેડેવર ઑર્ગન ડોનેશનનો નિર્ણય લીધો હતો. બ્રેઇન-ડેડબાળકીનાં હાર્ટ, લિવર, બે કિડની અને બે આંખોના કોર્નિયા ડોનેટ કરવામાં આવ્યા હતા. અન્ય જરૂરિયાતવાળા દરદીઓને અંગો મળતાં જે રાહત અને જીવતદાન મળ્યાની સ્થિતિ નિહાળીને માતા બબીતા અને પિતા આશિષકુમારને કશુંક પરોપકારનું કાર્ય કર્યાનો આત્મસંતોષ મળ્યો હતો.