28, ઓગ્સ્ટ 2025
પટના |
3069 |
ત્રણેય આતંકી જૈશ સાથે સંકળાયેલા, આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે
રાહુલ ગાંધી SIR વિરુદ્ધ બિહારમાં મતદાર અધિકાર યાત્રા પર છે, આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે, તે દરમિયાન બિહારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરીની વિગતો પ્રકાશમાં આવી છે. સૂત્રો મુજબ આ આતંકવાદીઓ નેપાળ થઈને બિહાર પહોંચ્યા હતા. પાકિસ્તાની આતંકવાદીઓ હસનૈન, આદિલ અને ઉસ્માનના ફોટા પણ જાહેર કરવામાં આવ્યા છે.
હસનૈન અલી પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી છે. આદિલ હુસૈન પાકિસ્તાનના ઉમરકોટનો રહેવાસી છે. અને ત્રીજો આતંકવાદી મોહમ્મદ ઉસ્માન પાકિસ્તાનના બહાવલપુરનો રહેવાસી છે. આ ત્રણે પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોંવાનું કહેવાય છે. પોલીસ મુખ્યાલયે તમામ જિલ્લાઓની પોલીસને હાઇ એલર્ટ જારી કર્યું છે. મુખ્યાલયે તેમને આતંકવાદીઓના નામ અને ફોટા પણ મોકલ્યા છે.
ગુપ્ત માહિતીના આધારે, એવી આશંકા છે કે આતંકવાદીઓનો હેતુ બિહારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો હતો. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અહેવાલ મુજબ ત્રણેય આતંકવાદીઓ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં કાઠમંડુ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગયા અઠવાડિયે બિહારમાં પ્રવેશ્યા હતા. આ આતંકવાદીઓ દેશના કોઈ ભાગમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપે તેવી પણ શક્યતા છે.