28, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
2673 |
બ્રાઇટ સ્ટાર લશ્કરી કવાયતમાં 30 દેશ નિરીક્ષક તરીકે અને 13 દેશ સીધા ભાગ લેશે
ભારતીય સશસ્ત્ર દળો અને જોઈન્ટ કમાન્ડ સ્ટાફ હેડક્વાર્ટરમાંથી ૭૦૦થી વધુ ભારતીય જવાન ઇજિપ્તમાં થનારા બહુપક્ષીય લશ્કરી અભ્યાસ બ્રાઇટ સ્ટાર ૨૦૨૫માં ભાગ લેશે. આ અભ્યાસમાં ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળના સંયુક્ત પ્રયત્નો જોવા મળશે. ઇજિપ્તે જાહેરાત કરી હતી કે આ સંયુક્ત લશ્કરી કવાયત ઇજિપ્તમાં યોજાશે.
આ સંયુકત લશ્કરી કવાયતમાં ૪૩ દેશ ભાગ લેશે. તેમા ૧૩ દેશના લગભગ આઠ હજાર સૈનિક સીધા સામેલ થશે. જ્યારે ૩૦ દેશ નિરીક્ષક તરીકે રહેશે. આ અભ્યાસ જુદી-જુદી લશ્કરી પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત હશે, જે ત્રણેય લશ્કરોની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે.
ઓપરેશન બ્રાઇટ સ્ટાર ૧૯૮૦થી ઇજિપ્ત અને અમેરિકા વચ્ચે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવતો લશ્કરી અભ્યાસ છે. તે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના સૌથી લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધાભ્યાસોમાં એક છે. પ્રારંભમાં તો આ યુદ્ધાભ્યાસ દ્વિપક્ષીય હતો. હવે તે બહુપક્ષીય બની ગયો છે.
આ યુદ્ધાભ્યાસ દર બે વર્ષે થાય છે. આ પહેલા તે ૨૦૨૩માં થયો હતો, જેમા ભારતે પહેલી વખત ભાગ લીધો હતો. ૨૦૨૩માં આ અભ્યાસમાં ૩૪ દેશ સામેલ થયા હતા, પરંતુ ૨૦૨૫માં તેની સંખ્યા વધીને ૪૩ થઈ ગઈ છે.