28, ઓગ્સ્ટ 2025
જમ્મુ |
3267 |
હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ, કટરાથી ડોટા સુધી ભારે નુકસાન
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુથી ડોડા સુધી અનેક પુલ, વીજળીના થાંભલા અને મોબાઈલ ટાવર્સને ભારે નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ખરાબ હવામાનને કારણે જમ્મુ-કાશ્મીરની સ્કૂલ-કોલેજો ગુરુવારે બંધ રાખવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણોદેવીના યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતુ જેમાં લગભગ 36 લોકોએ જીવ ગુમાવ્યો અને અનેક લોકો ઘાયલ થયા. હાલમાં પણ રેસ્ક્યુ ટીમોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
ભારતીય વાયુસેનાએ બચાવ કાર્ય માટે 6 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે અને ગુરદાસપુરના ડેરા બાબા નાનકથી 38 સેનાના જવાનો અને 10 બીએસએફના જવાનોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય વાયુસેના પૂરગ્રસ્ત ઉત્તર પંજાબ અને જમ્મુમાં રાહત અને બચાવ મિશન ચલાવી રહી છે. આ કામગીરીમાં પાંચ Mi-17 અને એક ચિનૂક હેલિકોપ્ટર તૈનાત કરાયા છે.