28, ઓગ્સ્ટ 2025
શ્રીનગર |
3366 |
ઘૂસણખોરી દરમિયાન જવાનો પર ફાયરિંગ કર્યુ
સેના અને પોલીસનું ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં ગુરુવારે ધૂસણખોરી દરમિયાન ભારતીય સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમને આતંકવાદીઓની ઘૂસણખોરી અંગેની માહિતી મળી હતી.તેના આધારે, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેના અને પોલીસ દ્વારા હજુ કાર્યવાહી ચાલુ હોંવાનું જાણવા મળે છે.
આ અગાઉ તા. 2 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ દેવસર વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ 1 ઓગસ્ટના રોજ આતંકવાદીઓ સામે ઓપરેશન અખાલ શરૂ કર્યું હતું, જે 12 દિવસ સુધી ચાલ્યું હતું. આમાં બે જવાન પણ શહીદ થયા હતા.
22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી, જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધીમાં 7 અલગ અલગ એન્કાઉન્ટરમાં 23 આતંકવાદીઓ માર્યા ગયા છે. આજે માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ જાણી શકાઈ નથી. અન્ય 21 આતંકવાદીઓમાંથી બાર પાકિસ્તાની નાગરિક હતા જ્યારે નવ સ્થાનિક હતા.