૪૫ વર્ષ જૂનો બ્રિજ તોડીને નવો બનાવાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026  |   4356

ખેડા પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર આવેલો અને વર્ષો જૂનો શેઢી નદી પરનો બ્રિજ હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. આ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડીને તે જ જગ્યાએ નવો અને વધુ ઊંચાઈ ધરાવતો બ્રિજ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ અંગેની તમામ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખેડાથી તારાપુર તરફ જતા સ્ટેટ હાઈવે પર ખેડા શહેર નજીકથી પસાર થતી શેઢી નદી પર આવેલો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ માટે આ બ્રિજ પરથી પસાર થવું જાેખમી બની ગયું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ અંગે ગંભીરતા દાખવીને નવીન બ્રિજ નિર્માણની યોજના તૈયાર કરવામાં આવી છે.આ સમગ્ર બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારી કે એસ બગુલે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતો. ચોમાસાની ઋતુમાં નદીમાં પાણીનું સ્તર વધતાં આ બ્રિજ પાણીમાં ડૂબી જતો હતો. આ કારણોસર વાહનવ્યવહાર વારંવાર ઠપ થઈ જતો હતો અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.અધિકારીના જણાવ્યા અનુસાર આશરે ૧ વર્ષ પહેલા આ બ્રિજનું ટેકનિકલ નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આશરે ૪૫ વર્ષ જૂનો આ બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સુરક્ષિત નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને જૂનો બ્રિજ સંપૂર્ણપણે તોડી પાડીને નદીના પાણીના પ્રવાહથી સુરક્ષિત રહે તે રીતે વધુ ઊંચાઈ ધરાવતો નવો બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. કલેક્ટરનું જાહેરનામું બહાર પડ્યા બાદ તુરંત જ આ બ્રિજ પરનો તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવશે. વાહનવ્યવહાર બંધ થયા બાદ જૂના બ્રિજને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ નવા બ્રિજનું નિર્માણ કાર્ય પૂરજાેશમાં હાથ ધરાશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution