/
કોર્પોરેશનના ૪૦ ભ્રષ્ટ અધિકારીઓ રડારમાં? મનીષ ભટ્ટ માત્ર હિમશીલાની ટોચ ખાઈકીમાં ભલભલાના હાથ ખરડાયા છે

વડોદરા : ભારે ભ્રષ્ટ બનેલા પાલિકાતંત્રના ૪૦ જેટલા ઓફિસરો કાયદાની ચુંગાલમાં આવી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. શહેરીજનો માટે મોટાપાયે સુવિધા ઊભી કરવાની યોજનાઓ સ્માર્ટસિટીના નામે બનાવી એક હજાર કરોડથી વધુનું કૌભાંડ થયું હોવાની રજૂઆત એસીબી, શહેરી વિકાસથી માંડી સીબીઆઈ સુધી થઈ હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં પરનામી બાદ હવે આઈટીના મનીષ ભટ્ટનો વારો હોવાનું મનાય છે. શહેરને સ્માર્ટસિટી બનાવવાના નામે સરકારમાંથી આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી પાલિકાના શાસક અને વહીવટીતંત્રમાંથી કેટલાક લખલૂટ કમાયા છે. પાલિકાની આઈટી સેલના મનીષ ભટ્ટે પણ તત્કાલીન કમિશનરને અંધારામાં રાખીને કે સાથે મળીને કરોડો રૂપિયાની યોજનાઓ સ્માર્ટસિટી હેઠળ મૂકી ગ્રાન્ટના નામે મોટી મોટી રકમ મેળવી હતી એ પૈકીની એકપણ યોજના હાલ ચાલુ થઈ નથી. ત્યારે શહેરીજનો ખુદ હવે જાગૃત થયા છે. પાલિકાના ક્લાસ-૧ અને ક્લાસ-ર અધિકારીઓ એક પછી એક એસીબીના સકંજામાં આવતા જાય છે. સ્માર્ટસિટી પ્રોજેકટ અમલમાં આવ્યો છે ત્યારે પાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. જાે કે, ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલી પાલિકામાં નેતાઓ પણ બાકાત નથી. લાંબા સમયથી બનેલી ટોળકી એકબીજા સાથે મળી મોટા મોટા કૌભાંડો કરતા આવ્યા છે. ત્યારે પાલિકામાં નોકરી કે સત્તા સમયે સામાન્ય પરિવારમાંથી આવેલા માલેતુજાર બની ઐયાશીમાં રાચવા લાગ્યા છે. 

વડોદરા સ્માર્ટસિટી ડેવલપમેન્ટ લિમિટેડના વહીવટી પાંખમાં મહત્ત્વના કરોડોના પ્રોજેકટમાં મોટો લાડવો જમી જનાર આઈટીના જનરલ મેનેજર મનીષકુમાર ભટ્ટ સામે એન્ટિ કરપ્શન બ્યૂરો અને શહેરી વિકાસ વિભાગ ઉપરાંત કેન્દ્રની ગ્રાન્ટનો ગેરઉપયોગ થયો હોવાથી સીબીઆઈમાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. તપાસ એજન્સીઓએ એકબીજાના સંકલનમાં રહી અગાઉ જાહેર થયેલા ટેન્ડરો, દરખાસ્ત, ઠરાવ, વર્કઓર્ડર, ભાવવધારો, પેનલ્ટીના ચૂકવાણાની તપાસ કરી રહી છે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવશે.

મફતમાં મળતું સોફટવેર ૨૫ કરોડમાં પકડાવ્યું

મનીષ ભટ્ટે મફતમાં મળતું સોફટવેર પાલિકા માટે રપ કરોડના મસમોટા ખર્ચે ખરીદ્યું હોવાનું બહાર આવ્યું છે. સરકારી વિભાગ નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર ટૂંકમાં એનઆઈસીજે સોફટવેર મફતમાં આપે છે એવું સોફટવેરમાં નજીવા ફેરફાર કરી આઈટીના મનીષ ભટ્ટે પાલિકાને રપ કરોડની કિંમતે ખરીદાયું છે અને મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો મુદ્‌ો પાલિકાની લૉબીમાં ચર્ચાઈ રહ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution