લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026 |
2178
પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને કારણે ચારેય તરફ ભારે તારાજી સર્જાઈ છે. કુદરતી આપત્તિના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને સ્થિતિ અત્યંત ગંભીર બની છે. નેપાળ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ આવેલા અચાનક પૂરના કારણે મૃત્યુઆંક વધીને ૬૬૯ સુધી પહોંચી ગયો છે. બચાવ ટુકડીઓ દ્વારા અત્યાર સુધીમાં ૬૨૬ મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે ૨,૪૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં ભારતે પડોશી ધર્મ નિભાવીને નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું કે, પૂરના કારણે જીવ ગુમાવનારા લોકોની ઓળખ સુનિશ્ચિત કરવા અને તેમના DNA સેમ્પલની તપાસ કરવા માટે ભારતથી ૬ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો રવાના કરવામાં આવી છે, જે શનિવારે જ રાજધાની કાઠમંડુ પહોંચવાની છે. સુરાંગોમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે ૨૮ ઓગસ્ટના રોજ એક ખાસ ટેકનિકલ ટીમને સર્વેક્ષણ માટે મોકલવામાં આવી હતી. ટનલોમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
કાળું પાણી થઈ રહ્યું છે, ગમે ત્યારે તળાવ તૂટશે
ચીને નેપાળ સરકારને તાજી ચેતવણી જારી કરતા કહ્યું છે કે લ્હેંડે નદીના ઉપરી હિસ્સામાં કાટમાળથી બનેલું નેચરલ તળાવ ગમે તે સમયે તૂટી શકે છે. ચીની અધિકારીઓના જણાવ્યા અનુસાર, તળાવના પાણીનો રંગ સતત ઘેરો થઈ રહ્યો છે, જે તેના ગમે ત્યારે પણ ફાટવાનો સંકેત હોઈ શકે છે. નેપાળ સાથે શેર કરાયેલા મેસેજમાં ચીને નીચલા વિસ્તારોના લોકો અને પ્રશાસનને સતર્ક રહેવાની સલાહ આપી છે. ચીનના જણાવ્યા અનુસાર, કાટમાળથી બનેલા આ તળાવમાં શુક્રવાર સુધી લગભગ ૨૫ લાખ ક્યુબિક મીટર પાણી જમા થઈ ચૂક્યું છે અને જળસ્તર સતત વધી રહ્યું છે. તળાવ ચીન તરફ છોચેન નદી અને નેપાળ તરફ પુરેપુ નદીના સંગમ પાસે કાટમાળના ભેગા થવાથી બન્યું છે.