અમદાવાદ-

ગુજરાતની પ્રખ્યાત અમૂલ ડેરી તેના બે નવા પ્લાન્ટ સ્થાપી રહી છે જેમાં કુલ 1500 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે. આ રોકાણ પૈકી 1000 કરોડ રૂપિયા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન બનાવવા ખર્ચ કરશે જ્યારે 500 કરોડ રૂપિયા ખાદ્યતેલના ઉત્પાદનો શરૂ કરવા માટે ખર્ચાશે. અમૂલના એમડી આરએસ સોઢીએ કહ્યું હતું કે ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ નાણાકીય વર્ષમાં 1500 કરોડ રૂપિયાનું નવું મૂડીરોકાણ કરી રહ્યું છે. અમૂલની રેવન્યુમાં 20 ટકાનો ગ્રોથ થયો છે જે ગયા વર્ષે 38550 કરોડ રૂપિયા હતું. તેમણે કહ્યું હતું કે અમે આગામી બે વર્ષમાં દેશના વિવિધ રાજ્યોમાં ડેરી પ્લાન્ટ માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ. 

સોઢીએ કહ્યું કે અમૂલની હાલની ક્ષમતા પ્રતિ દિવસ 380 લાખ લિટર દૂધની છે જે વધારીને 420 લાખ લિટર કરવામાં આવશે. અમૂલે સહકારી સેક્ટરમાં મીઠાઇઓ તેમજ બેકરીની ચીજવસ્તુઓનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે અમૂલ ખાદ્યતેલ અને બટાટા પ્રોસેસિંગ સેગમેન્ટમાં કાર્યરત છે. ખાદ્યતેલનું વેચાણ નવી બ્રાન્ડ જન્માય હેઠળ કરવામાં આવશે. આ બ્રાન્ડમાં મગફળી, કપાસિયા, સૂર્યમુખી, સરસવ અને સોયાબીનનું તેલ સમાવવામાં આવશે. એમડીએ કહ્યું કે અમારી પાસે ખાદ્યતેલ, બેકરી અને બટાટાની પ્રક્રિયા માટે પ્લાન્ટ છે. અમે આગામી બે વર્ષમાં આ નવા વ્યવસાયમાં વધુ પ્લાન્ટ સ્થાપવા માટે 500 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાના છીએ. તેમણે કહ્યું કે લોકડાઉન અને કોરોના સંક્રમણના સમયે લોકોને અમૂલની તમામ પ્રોડક્ટ્સ તેમના ઘર સુધી પહોંચાડીને અમે વેચાણમાં વધારો કર્યો છે, જો કે આઇસક્રીમના વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયો છે.