ત્રણ લાખ રૂપિયા લઇને લગ્ન કરનાર યુવતી સાતમાં દિવસે પિયર ગયા બાદ લાપતાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026  |   1386

ત્રણ લાખ રૂપિયા આપી લગ્ન કરાયા હતાં એ વલસાડની યુવતી સાત દિવસમાં જ પિયર ગયા બાદ ગાયબ થઇ જતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ઉત્રાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વેલંજા સ્થિત સૌરાષ્ટ્ર ગ્રીનસિટીમાં રહેતાં રવિ નટવરભાઇ રાવ એમ્બ્રોઇડરી ડીઝાઇનનું કામ કરે છે. જુનાગઢના કેશોદ તાલુકાનો વતની રવિ ૩૮ વર્ષનો થઇ જવા છતાં સમાજમાં લગ્ન માટે કન્યા મળી ન હતી.

જેથી રવિએ તેના સંબંધી મિત્રોને લગ્ન લાયક કન્યા હોય તો કહેવા જણાવ્યું હતું. દરમિયાન રવિ જે કારખાનામાં કામ કરે છે એ શેઠનાં કાકા કેયુર પટેલે એક વર્ષ પહેલા તેની મુલાાકાત સરોજબેન સાથે કરાવી હતી. સરોજબેને તેને અલગ-અલગ છોકરીઓના ફોટા બતાવ્યા પરંતુ લગ્નનો મેળ પડ્યો ન હતો. ત્યારબાદ તેણીએ રવિની મુલાકાત સુનિલભાઇ સાથે કરાવી હતી. સુનિલે એકાદ મહિના પહેલા રવિનો સંપર્ક સંગીતા રાજુભાઇ પટેલ (રહે. નિશાળ ફળીયુ, ગામ-નાના પોઢા, તા.કપરાડા, જી.વલસાડ) સાથે કરાવ્યો હતો. સંગીતાએ તેણીનાં પરિચિત રાહુલ પટેલની સાળી રેશ્મા લગ્નને લાયક હોવાની વાત કરી હતી.

ત્યારબાદ ૧૨ જુલાઈ, ૨૦૨૬નાં રોજ સંગીતા, રાહુલ, તેમની પત્ની અનિલા અને સાળી રેશ્મા રવિના ઘરે આવ્યા હતાં. અહીં થયેલી મીટિંગમાં રવિ અને તેના પરિવારને રેશ્મા પસંદ આવી અને પછી લગ્નની વાત આગળ વધારાઇ હતી. જેમાં રાહુલ અને સંગીતાને જણાવ્યું હતું કે, અમે રેશ્મા સાથે તમારા લગ્ન કરાવી આપીશુ પરંતુ તમારે અમને કમિશન પેટે ત્રણ લાખ રૂપિયા આપવા પડશે. સારી કન્યા સાથે લગ્ન થતાં હોય રવિ અને તેના પરિવારે ૦૩ લાખ આપવાની તૈયારી બતાવી હતી. પૈસા મળતા હોય રાહુલ અને સંગીતાએ બે દિવસમાં જ લગ્ન કરાવી દઈશું એમ કહી વિદાય લીધી હતી. બાદમાં તેઓ ૧૪મી તારીખે પાછા આવ્યા અને વરાછા

જુની શક્તિ વિજય સોસાયટીનાં લોકનાથ મહાદેવ મંદિરમાં રવિ અને રેશ્માના લગ્ન કરાવાયા હતાં. જેની નોંધણી મહાનગર પાલિકાના વરાછા-બી ઝોન ખાતે કરાવાઇ હતી. બાદમાં રવિના બનેવી હિતેશે રાહુલને ૨.૭૫ લાખ અને સંગીતાને ૧૫ હજાર રૂપિયા આપ્યા હતાં. લગ્ન બાદ ૧૬મી તારીખે રવિ પત્ની રેશ્માને વતન કેશોદમાં માતાજીનાં દર્શને લઈ ગયો હતો. જ્યાંથી ૧૯મી તારીખે તેઓ પરત આવ્યા હતાં. ૨૦મી તારીખે સવારે રેશ્માએ રવિને કહ્યું હતું કે, મારી મમ્મીની તબિયત સારી નથી, મારે ખબર પૂછવા જવું છે. તમે મને મુકવા આવો. જેથી રવિ તેની કારમાં મિત્ર કમલેશ રાઠોડ સાથે રેશ્માને વલસાડ લઇ ગયો હગતો. જ્યાં રાહુલ અને સંગીતા બંને મળ્યા હતાં. તેમણે રેશ્માને થોડા દિવસ અહીં રહેવા દો એમ કહેતાં રવિ પરત આવી ગયો હતો.

બીજા દિવસે રવિએ રેશ્માને કોલ કર્યો તો તેણે સરખી વાત કરી ન હતી. તેણીએ મારે તમારી સાથે નહીં રહેવું એમ કહેતાં રવિએ કારણ પૂછ્યું હતું, જાે કે યોગ્ય જવાબ નહીં આપનારી રેશ્માએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી રવિએ રાહુલ અને સંગીતાનો સંપર્ક કર્યો હતો. જાેકે, તેઓએ પણ ગલ્લાંતલ્લાં સાથે ઉડાઉ જવાબ આપ્યા હતા. બાદમાં તેમને ફોન પણ બંધ થઇ જતા રવિને પોતાની સાથે ચીટીંગ કરાયાનો અહેસાસ થયો હતો. આથી તેણે ઉત્રાણ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution