નવસારી-

વિદ્યાર્થી માટે ગુરૂ એ ભગવાનસમાન ગણાય પરંતુ કેટલાંક નીચ કક્ષાની મનોવૃત્તિ ધરાવતા લોકો આ ગરીમાને કેવી રીતે લજવે છે, તેનો એક દાખલો તાજેતરમાં નવસારી ખાતે જોવા મળ્યો હતો. એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના બહાર આવ્યા બાદ એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, આ યુવતીનું શારીરીક શોષણ કરનાર બીજું કોઈ નહીં પણ તેનો શિક્ષક પોતે જ હતો.

ગુરૂ-શિષ્ય પરંપરાને લાંછન લગાડનારી આવી કળિયુગની ઘટનાની વિગત એવી છે કે, વલસાડના એક શિક્ષકે લગ્નની લાલચ આપીને પોતાની જ વિદ્યાર્થીનીનું જાતિય શોષણ કર્યું હતું અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. બિલિમોરાની ખ્યાતનામ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આ શખ્સ નામે મયુર રાણાએ પોતાની જ વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીનીના ઘરે જ અને વલસાડમાં શારીરીક સંબંધો પણ બાંધ્યા હતા. જો કે, ત્યારબાદ આ શિક્ષકે પોતાના લગ્ન બીજે ક્યાંક ગોઠવી કાઢતાં અને પરીવારજનોને પણ આવા લંપટ શિક્ષકના કરતૂતોની જાણ થતાં તેઓ ઉશ્કેરાયા હતા અને તે લંપટ શિક્ષકના લગ્નની પીઠીની વિધિના દિવસે જ તેના ઘરે પહોંચી જઈને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 

આ ઘટના પછી પરીવારને ભારે આઘાત લાગતાં પોલીસમાં જાણ કરતાં પોલીસે બિલિમોરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધવા જણાવ્યું હતું. પરીવારે ત્યારબાદ બિલિમોરા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં આખરે આ લંપટ ગુરૂને જેલભેગો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી નવસારી અને વલસાડ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી.