લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026 |
4257
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વિસ્તારો છાશવારે થતા હુમલાઓ,હત્યા અને ગુનાખોરીને કારણે કુખ્યાત બની ગયા છે.અમદાવાદના કાગડાપીઠ, નારોલ, નિકોલ, ગોમતીપુર, દરિયાપુર,ઈસનપુર, વટવા સહિતના અનેક વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક લોહિયાળ અને હિંસક હુમલાના બનાવોએ અમદાવાદીઓને અસુરક્ષિત હોવાનો અહેસાસ કરાવી દીધો છે.જેને કારણે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે,કે શહેર પોલીસ કમિશનર બોદા છે કે કેટલાક પીઆઈ બોદા હોવાને કારણે ગુનેગારોમાં પોલીસનો ખૌફ જાણે કે મરી પરવાર્યો હોય તેવી હાલત જાેવા મળી રહી છે.સબસલામત સમજતા શહેર પોલીસ કમિશનર હવે કુખ્યાત બનેલા કેટલાક પોલીસમથકોના પીઆઈના કાન આમળીને બેઠા કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે. નારોલ વિસ્તારમાં આવેલા રાધિકાનગર પાસે ગઈકાલે સાંજે તાનસેન લેવા બાબતે થયેલી નજીવી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદ એટલો વકર્યો હતો કે બંને પક્ષો વચ્ચે સામસામે હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના લોકો લોહીલુહાણ થયા છે. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં સામસામે બે અલગ-અલગ ગુના નોંધાયા છે.પ્રથમ ફરિયાદ રાધિકાનગરના સંદીપ સંજયભાઈ પાંડેએ નોંધાવી છે. જે મુજબ, તેનો ભાઈ સંજુ ગઈકાલે સાંજે ગણેશનગર ત્રણ રસ્તા પાસે તાનસેન લેવા ગયો હતો, જ્યાં જયનગરના અમરજીત સાથે તેને સામાન્ય ધક્કો વાગવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રાત્રે સાત વાગ્યાની આસપાસ અજય અયોધ્યાપ્રસાદ શાહ, વિજય શાહ, પવન યાદવ અને હરિકેશ યાદવ સંદીપના ઘર પાસે આવ્યા હતા. આ આરોપીઓએ ગાળો આપી હુમલો કર્યો હતો, જેમાં અજય શાહે તેના હાથમાં રહેલા કડા વડે સંજુના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેની માતા જીવીદેવીને પણ ડાબા ગાલ પર તમાચો માર્યો હતો.જ્યારે સામા પક્ષે વિજય અયોધ્યાપ્રસાદ શાહે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેનો મિત્ર અમરજીત સાથે સંજુને થયેલા ઝઘડાની અદાવતમાં, જ્યારે તે સંજુના ઘર પાસેથી સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સંજુ, સંદીપ અને આશુ મિશ્રાએ તેને રોકી અપમાનજનક શબ્દો કહ્યા હતા. આ દરમિયાન સંજુએ તેના હાથમાં રહેલી છરી વડે વિજયના ભાઈ અજયના માથાના ભાગે ઘા મારી દીધો હતો, જ્યારે આશુ મિશ્રાએ અજયને પાછળથી પકડી રાખ્યો હતો. આ હુમલામાં વચ્ચે બચાવવા પડેલા અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો.આ લોહિયાળ અથડામણ બાદ બંને પક્ષના ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડાયા છે.