દિલ્હી-

ભારત સરકારે પોતાના હસ્તકની વિમાન કંપની એર ઈન્ડિયાને વેચવાનો નિર્ણય તો કરી લીધો છે, પરંતુ લાગે છે કે, તેને જે પ્રકારે નુકસાન થવા જાય છે તેનાથી તેના મૂલ્યાંકનને ઘણો મોટો ફટકો પડી શકે છે. અંતરંગ સૂત્રો જણાવે છે કે, આ સરકારી કંપનીને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કંપનીને ૧૦ હજાર કરોડ રુપિયાનું નુકસાન થવાનું છે. જાે આમ હોય તો સરકારને તેમાં વિનિવેશ કરતી વખતે ભારે સમસ્યા થઈ શકે છે એટલે કે તેને તેની ધારી રકમ નહીં મળે.

વર્ષ ૨૦૦૭માં એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સ એમ બંને કંપનીઓને મેળવી દેવાઈ હતી અને એમ મનાય છે કે, ત્યારથી માંડીને આજદીન સુધીમાં કંપનીને નડનારી આ સૌથી મોટી ખોટ છે. મહારાજાના નામથી પ્રસિદ્ધ આ એર ઈન્ડિયા કંપનીને કોવિડ-૧૯ને પગલે ભારે ફટકો પડ્યો છે. તેના મળતર અને નુકસાન વચ્ચે ખૂબ મોટું અંતર રહેવાનું છે.

એક અનુમાન મુજબ, કંપનીને વેપારનું ૮ હજાર કરોડ રુપિયાનું જ્યારે અન્ય પ્રકારનું ૨ હજાર કરોડ રુપિયાનું નુકસાન થવાનુું છે. આ પૈકી તેને ૪ હજાર કરોડ રુપિયા તો ફાળવી પણ દેવાયા છે, જેથી તેના ઓપરેશન્સ ચાલુ રાખી શકાય. આમ તો, એર ઈન્ડિયાને વેચવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલુ છે. વીસ વર્ષ પહેલાં તેના ૨૦ ટકા શેરો વેચવાનો નિર્ણય કરાયો હતો, જાે કે, હવે સરકાર તેનો પૂરો હિસ્સો વેચી નાંખવા માંગે છે. અનેક કંપનીઓએ રસ તો દાખવ્યો હતો પરંતુ સરકારની શરતો અને ભારે દેવાને પગલે તેમણે નિર્ણય નહોતો લીધો. ટાટા જૂથ પણ આ કંપનીને ખરીદવા તો માંગે છે, પણ તેની મુશ્કેલી એ છે કે, તે એર એશિયા અને વિસ્તારા જેવી વિમાન કંપનીઓમાં અગાઉથી જ હિસ્સેદાર છે. હવે એર એશિયા પોતાનો હિસ્સો પૂરો વેચી નાંખવા માંગતી હોવાથી એ હિસ્સો ટાટા જૂથ ખરીદી લે એમ બને. ૨૦૧૭માં પણ સરકારે તેનો ૭૪ ટકા હિસ્સો વેચવા તૈયારી બતાવી હતી. હવે સરકાર તેનો પૂરો હિસ્સો વેચી નાંખવા માંગે છે.