લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026 |
1584
શહેરનાં પાંડેસરા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર દરમિયાન ૧૪ વર્ષનાં કિશોરનું મોત થયું હતું છેલ્લા બે દિવસથી સારવાર દરમિયાન ગત રોજ તબીબ દ્વારા રાત્રે ૧.૩૦ કલાકે ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ અડધો કલાકમાં જ કિશોરનું મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવારજનો દ્વારા તબીબ વિરુદ્ધ સારવારમાં બેદરકારીનો આક્ષેપ કરવાની સાથે ડોક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા ખાતે રહેતા ૧૪ વર્ષીય અભિષેક સિંહને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોવાથી તેને તેરેનામ ચોકડી પાસે આવેલ સ્વસ્તિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અભિષેકનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બે દિવસ સુધી તેની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ગત રાત્રે ૧૦.૩૦ કલાકે અભિષેક સિંહને તબીબ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ અડધો કલાકમાં જ કિશોર બેભાન થઈ ગયો હતો અને અંતે તેનું મોત નીપજ્યું હતું. અભિષેકનાં મોતને પગલે પરિવારજનોમાં તબીબ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મૃતક કિશોરનાં પિતા દ્વારા તબીબ વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, ડોક્ટર દ્વારા એક્સપાયરી અથવા તો ઓવરડોઝ ઈન્જેકશન આપવાને કારણે જ અભિષેકનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે. વોચમેન તરીકે ફરજ બજાવતાં મૃતકનાં પિતાએ સ્વસ્તિક હોસ્પિટલનાં જવાબદાર ડોક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને તપાસની માગ કરવામાં આવી હતી.