અમિત શાહ ત્રણ દિવસમાં વિકાસકાર્યોના લોકાર્પણથી જન્માષ્ટમીની ઉજવણીના તબક્કાવાર કાર્યક્રમો કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026  |   2079

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૩ સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બર દરમિયાન તેઓ ગુજરાતની મુલાકાતે રહેશે. આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, શિલાન્યાસ તેમજ રેલવે ક્ષેત્ર સાથે સંકળાયેલા મહત્વના કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં આયોજિત શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સમારોહમાં પણ અમિત શાહ હાજરી આપશે.પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે ૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮ વાગ્યે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ ગુજરાતમાં રોકાણ કરશે અને બીજા દિવસે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે અમિત શાહ ગાંધીનગરના ઇન્દ્રોડા ગામ ખાતે પહોંચશે. અહીં નવ નિર્મિત પાઇપલાઇન અને ભૂમિગત પાણીની ટાંકી સહિતની જળ વ્યવસ્થાપન પ્રણાલીના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.ગાંધીનગરમાં પાણી પુરવઠા અને જળ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા આ પ્રોજેક્ટના કારણે સ્થાનિક સ્તરે પાણીની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસોને વેગ મળવાની અપેક્ષા છે. ઇન્દ્રોડા કાર્યક્રમ બાદ બપોરે ૧૨ વાગ્યે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે અમિત શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે.મહાનગરમાં માળખાકીય સુવિધાઓ અને નાગરિકલક્ષી વિકાસકાર્યોને લગતા વિવિધ પ્રોજેક્ટોને આ કાર્યક્રમમાં આગળ ધપાવવામાં આવશે. અમિત શાહની હાજરીમાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ નવા કામોનો શિલાન્યાસ કરવામાં આવશે. ગાંધીનગર બાદ અમિત શાહ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યોજાનારા કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. કાળી રોડ સ્ટેશન નજીક લોકોમોટિવ અને રેલવે એન્જિનના રખરખાવ માટે પીપીપી ધોરણે શરૂ કરવામાં આવી રહેલા વેગન-૧૨ રખરખાવ શેડના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.રેલવેના એન્જિન અને કોચના જાળવણી-રખરખાવની કામગીરી માટેની સુવિધાઓના વિકાસની દૃષ્ટિએ આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમિત શાહની અમદાવાદ મુલાકાત દરમિયાન સાબરમતી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજાશે. રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફરો માટેની સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી હાથ ધરાયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution