લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026 |
2376
આઠમની ઉજવણી જોવા ઘરેથી નીકળેલા વૃદ્ધની તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાનો બનાવ બન્યો હતો. અમરોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ન્યુ ક્રોસ રોડ ઉપર સંસ્કાર રેસિડેન્સી પાસે માધવ વિલા એપાર્ટમેન્ટમાં કિશન મોહનભાઇ મારૂ તેમના પરિવાર સાથે રહે છે. દિલ્હી ગેટ પાસે આવેલા બેલ્જિયમ ટાવરમાં ડિઝાઇનર તરીકે કામ કરતાં કિશનના પિતા ૬૮ વર્ષીય મોહનભાઇ રાજાભાઈ મારૂ ચોથી તારીખે સાંડે છ વાગ્યાના અરસામાં આઠમની ઉજવણી જોવા નીકળ્યા હતાં.
મોહનભાઇ મોડી રાત સુધી ઘરે નહીં આવતા દીકરા કિશને તેમને કોલ કર્યો હતો. પિતાનો ફોન સ્વિચ ઓફ આવતા સંપર્ક તો ન થયો પરંતુ તેઓ આઠમની ઉજવણીમાં વ્યસ્ત હશે, મોડા ઘરે આવી જશે એવુ વિચારી કિશન સુઈ ગયો હતો. ત્યારબાદ પાંચમી તારીખે સવારે પણ તેઓ ઘરે આવ્યા ન હતાં. સાડા નવેક વાગ્યા સુધી રાહ જોયા બાદ મારૂ પરિવારે મોહનભાઇની શોધખોળ કરવા માંડી હતી. સંબંધી મિત્રોને કોલ કરૂ પૂછતાછ કરાઇ રહી હતી ત્યારે કેટલાક પોલીસવાળા કિશનનાં ઘરે પહોંચી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, અમને કોસાડ આવાસમાં એચ-૦૩ પાછળ ઝાડીમાંથી એક પુરુષની લાશ મળી છે. લોહી લુહાણ હાલતમાં મળેલા પુરુષનાં ખિસ્સામાંથી આઇડી કાર્ડ મળતા અમે અહીં આવ્યા છે. તમે અમારી સાથે ચાલો. પોલીસ કર્મચારીઓની આ વાત સાંભળી કિશન ગભરાઈ ગયો હતો. તેણે પોતાના કઝીન તથા સાઢુભાઇને કોલ કરીને બોલાવ્યા હતાં. તેમની સાથે તે કોસાડ આવાસ પહોંચ્યો હતો. આવાસમાં ઝાંડી ઝાંખરા વચ્ચે લોહીલુહાણ હાલતમાં પડેલો વ્યક્તિ પોતાના પિતા મોહનભાઇ મારૂ હોવાનું જણાઈ આવ્યું હતું. તેમના શરીરે માથાના ભાગે પીઠ અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતાં. મૃતકની ઓળખ થયા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. બાદમાં કિશનની ફરિયાદ લઇ મોહનભાઇની હત્યા અંગે ગુનો નોંધાયો હતો. પોલીસે કોસાડ આવાસ તથા આસપાસના સીસી કેમેરા ફૂટેજ હાથવગા કરી મોહનભાઇ અહીં કયારે અને કોની સાથે આવ્યા હતાં એ દિશામાં તપાસ શરૂ કરી છે.