લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026 |
1287
અમદાવાદના શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળવાની ઘટના અને મલાલા યુસુફના પુસ્તક મામલે વાલીઓ તથા હિન્દુ સંગઠનના હોબાળા બાદ ડીઈઓ રોહિત ચૌધરીએ બે નોટિસ આપી હતી. જે બાદ આજે શાળાનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. આ બે બેદરકારી બદલ શાળાએ જવાબદાર એજ્યુકેશન કન્સલ્ટન્ટ, બે સુપરવાઇઝરો અને કેન્ટીન ઇન્ચાર્જને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કર્યા છે તેમજ વિવાદિત પુસ્તક પરત ખેંચી નિયમિત પ્રાર્થના શરૂ કરાવી છે. શિક્ષણ તંત્રએ બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતાં આરટીઈ રૂલ્સ-૨૦૧૨ મુજબ શાળાને ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે અને ફૂડ સેફ્ટી વિભાગની મંજૂરી વિના કેન્ટીન ચાલુ ન કરવા તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ન સ્વીકારનાર વાલીઓને કેન્ટીનની ફી પરત કરવાનો કડક આદેશ આપ્યો છે. આ અંગે ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, આનંદ નિકેતન શિલજ કેમ્પસમાં બનેલી બે ઘટનાઓને લઈને શાળાને બે નોટીસ આપી તેમની પાસેથી લેખિત ખુલાસો માંગ્યો હતો. શિક્ષણ તંત્રએ આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈ ત્યાં તપાસ ટીમ મોકલી અને પ્રાથમિક અહેવાલ પણ મંગાવ્યો હતો. આ અહેવાલમાં સ્પષ્ટ થયું કે એક વિદ્યાર્થીના નાસ્તામાં કાચ કે પ્લાસ્ટિકનો ટુકડો હોવાની જે ફરિયાદ હતી, તે ભલે રૂબરૂ ન મળ્યો હોય પરંતુ ફોટો સ્વરૂપે મળ્યો હતો અને નિવેદનોમાં પણ તે સ્પષ્ટ થતાં શાળાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. બીજી ઘટનામાં યુસુફ મલાલાના પુસ્તકના કારણે વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરી ખૂબ હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ બાબતોને ધ્યાને લઈ અમે શાળા સામે તાત્કાલિક એક્શન લેવા જણાવતાં, શાળા દ્વારા એજ્યુકેશન કન્સલ્ટન્ટ કે કરિક્યુલમ ડિઝાઇનર મુંજા સમ્સને તાત્કાલિક રિલીવ કરી દેવામાં આવ્યા છે અને તે દિવસે ડ્યુટી પર હાજર બંને સુપરવાઇઝરોને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જવાબદારો સામે કાર્યવાહી કરવાની સૂચના આપતાં તેમણે કેન્ટીન ઇન્ચાર્જને પણ હટાવ્યા છે, પ્રિન્સિપાલની રેગ્યુલર ખાલી પોસ્ટ ભરવાની તથા નવી કેન્ટીન એજન્સી માટેની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.