લોકસત્તા ડેસ્ક 

એન્જેલિના જોલી બ્રિટિશ વોર ફોટોગ્રાફર ડોન મેકક્યુલીન પર બનનારી બાયોપિક અનરીઝનેબલ બિહેવીયરનું દિગ્દર્શન કરશે. આ ફિલ્મ મેકક્યુલીનની આ જ નામની આત્મકથા પર આધારીત છે. આ વિખ્યાત ફોટોગ્રાફરના જીવન પર આધારીત ફિલ્મની પટકથા બાફટા દ્વારા નામાંકન મેળવેલા ગ્રેગરી બુર્કે લખી રહ્યા છે. ફિલ્મની વાર્તા ગરીબી અને યુદ્ધથી ત્રસ્ત લંડનથી વિશ્વની સૌથી જોખમી રણભૂમિમાં જતા ફોટોગ્રાફરની છે. એન્જેલિનાએ જણાવ્યું કે મને મેકક્યુલીનની નિર્ભયતા અને માનવીય ગુણો તરફ આકર્ષણ થયું. યુદ્ધનો ભોગ બનેલા તમામ પ્રત્યે તેની કરૂણાએ મને આ ફિલ્મનું દિગ્દર્શન કરવા પ્રેરી છે.

આ ફિલ્મ ડોનની ફોટોગ્રાફી, તેણે પોતાના જીવનમાં જોયેલા અદ્ભુત લોકો, એને થયેલા અનુભવો જેટલી જ મહાન બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા એન્જેલિનાએ જણાવ્યું કે પત્રકારિત્વના અનોખા યુગના ઉદય અને અસ્ત જેણે જોયા છે એવા ફોટોગ્રાફરની કથાને પૂરતો ન્યાય આપવાનો પ્રયાસ આ ફિલ્મ દ્વારા થશે.