રાજ્યમાં ૫માંથી ૩ સરકારી આયુર્વેદ કોલેજાેને મંજૂરી,તમામ કોલેજની બેઠકો ઘટાડી દેવાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026  |   4950

રાજ્યની આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજાેમાં પ્રવેશ માટે આગામી ૯મીથી ૨૪મી સુધી પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. હોમિયોપેથીમાં હજુ સુધી ૪૮માંથી ૨૭ અને આયુર્વેદની ૪૪માંથી હજુ સુધી માત્ર ૭ કોલેજાેને મંજૂરી આપવામાં આવી છે. આયુર્વેદમાં ૩૬ કોલેજાેની મંજૂરી જ આવી નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ ચોઇસ આપ્યા પછી પણ પ્રવેશ ફાળવણી ન થઇ શકે તેવી સ્થિતિ ઊભી થઇ છે. મહત્વની વાત એ કે, જે કોલેજાેને મંજૂરી આવી છે તે પૈકી મોટાભાગની કોલેજાેની ૨૦થી લઇને ૫૦ જેટલી બેઠકો કાપી લેવામાં આવી છે. અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કોલેજની ૯૪માંથી ૫૬ બેઠકો કરી દેવામાં આવી છે. કોલાવાડા આયુર્વેદ કોલેજને મંજૂરી જ આપવામાં આવી નથી. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુવર્ષથી આયુર્વેદ અને હોમિયોપેથીની પ્રવેશ પ્રક્રિયા અલગથી કરવાનું નક્કી કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓને ગત તા. ૨૫મી ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી પીન ખરીદીને રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં વિદ્યાર્થીઓ આ કાર્યવાહી કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ઓલ ઇન્ડિયા ક્વોટા અને સ્ટેટ ક્વોટા એમ, બન્ને પ્રવેશ પ્રક્રિયા માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેમાં સ્ટેટ ક્વોટા માટે આગામી ૯મીથી લઇને ૨૪મી સુધીમાં પ્રથમ રાઉન્ડ પૂરો કરવામાં આવશે. એટલે કે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગથી લઇને પ્રવેશ ફાળવણી સુધીની કાર્યવાહી પુરી કરવાની રહેશે. સૂત્રો કહે છે કે, આગામી ૯મીથી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે જુદી જુદી ચોઇસ આપવાનું શરૂ કરશે. પરંતુ હાલની વાસ્તવિક્તા એ છે કે, આયુર્વેદ અને હોમિયોપેથીની મોટાભાગની કોલેજાેની મંજૂરી જ આવી નથી. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે છે, આયુર્વેદની અંદાજે ૪૨ કોલેજાે પૈકી અત્યાર સુધીમાં માત્ર ૬ કોલેજાેને મંજૂરી મળી છે. હોમિયોપેથીમાં અંદાજે ૪૯ કોલેજાે પૈકી ૨૮ કોલેજાેને મંજૂરી મળી છે. આમ, બન્ને કોર્સમાં અડધાથી ઉપરની કોલેજાેને મંજૂરી બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ ચોઇસ જે તે કોલેજની ચોઇસ આપશે પરંતુ તે કોલેજને મંજૂરી મળી ન હોય તો વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે નહી. સૂત્રો કહે છે કે, સરકારી આયુર્વેદની ૫ કોલેજાે પૈકી ૩ની મંજૂરી આપવામાં આવી છે. જેમાં પણ અખંડઆનંદ કોલેજની ૯૪ બેઠકો પૈકી ૫૬ કરી દેવામાં આવી છે. વડોદરાની ૭૫ બેઠકમાંથી ૪૮ અને જૂનાગઢ આયુર્વેદ કોલેજની ૭૫ બેઠકમાંથી ૪૧ બેઠકો કરી દેવામાં આવી છે. આ સિવાય કોલાવાડા અને ભાવનગરની સરકારી આયુર્વેદ કોલેજ માટે કોઇ ર્નિણય કરવામાં આવ્યો નથી. હોમિયોપેથીમાં જે કોલેજને મંજૂરી આપવામાં આવી છે તે પૈકી મોટાભાગની બેઠકો કાપી લેવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution