ગોધરા : કાલોલમાં ચર્ચાસ્પદ બનેલા એક કુંવારી માતાના નવજાત શિશુને વેચી દેવાના પ્રકરણમાં નવજાત શિશુને જન્મ આપનારી યુવતી અને તેના માતા-પિતાને અટકાયતમાં લઇ પ્રાથમિક પૂછપરછમાં યુવતી એક યુવક સાથે પ્રેમસંબંધ ધરાવતી હોવાથી યુવક સાથેના સંબંધોને કારણે ગર્ભ રહી ગયો હોવાથી સમગ્ર બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું. યુવતીએ જણાવેલ હકીકતને આધારે કાલોલ પોલીસ દ્વારા યુવતીની આપવીતી મુજબની ફરિયાદ લઇ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.  

કાલોલ પોલીસ દ્વારા ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી પંચમહાલ જિલ્લા પોલીસ વડા મારફતે વડોદરા જિલ્લા પોલીસવડાને પહોચાડી ત્યાંથી સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાવલી તાલુકાના એક નાનકડા ગામનો પંકજભાઈ શંકરભાઈ પરમાર નામનો યુવક તેના ગામની આ યુવતીના સંપર્કમાં છેલ્લા બે વર્ષથી હતો અને પ્રેમ સંબંધ બાંધી અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંભોગ કરી તને કાંઈ થાય નહીં તેવો વિશ્વાસ આપી અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. જે શારીરિક સબંધોને પગલે યુવતીને ગર્ભ રહી ગયો હતો અને તેના માતાપિતાને જણાવે ત્યાં સુધીમાં વિલંબ થઈ જતા અંતે અંજામ છુપાવવા માટે કાલોલની દાયણ મંજુલાના હાથમાં આવી ગયા હતા. જે દાયણે યુવતી અને તેના માતાપિતાને અંધારામાં રાખીને બાળકનો નિકાલ કરવાનું જણાવી ગરજવાન દંપતિને શિશુ વેચી દીધું હતું. કાલોલના નવજાત શિશુને વેચી દેવાના પ્રકરણમાં ઝડપાયેલી યુવતીની આપવીતીને આધારે યુવતીની ઝીરો નંબરથી દાખલ કરેલી બળાત્કારની ફરિયાદને આધારે કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં સાવલી તાલુકાના આ આરોપી યુવક પંકજભાઈ શંકરભાઈ પરમારની અટકાયત કરી લીધી હતી. જેમાં બળાત્કારની ફરિયાદ મુજબ યુવકનો કોરોના ટેસ્ટ કરી આગામી સમયમાં જરૂરી એવા ડીએનએ ટેસ્ટની તપાસ માટે જરૂરી મેડિકલ સેમ્પલો લઇને યુવકને સાવલી પોલીસને હવાલે કર્યો હતો.