/
આઈપીએલ શરૂ થતાં જ સટ્ટાની પ્રવૃત્તિ ધમધમી ઊઠી પણ પોલીસ અંધારામાં

વડોદરા, તા.૨૭

શનિવારથી શરૂ થયેલી આઈપીએલ સીઝન ૧૫ને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ત્યારે મેચો ઉપર સટ્ટો રમનારા અને બુકીઓએ પણ પોલીસથી બચવા માટે ખાસ તૈયારીઓ અને તરકીબો વાપરી મોટાપાયે સટ્ટો રમવાનું શરૂ કરી દીધું છે. ગત આઈપીએલ સમયે મોટાપાયે ક્રિકેટનો સટ્ટો ઝડપી પાડનાર શહેર પોલીસ આ વખતે અંધારામાં રહી છે.

આઈપીએલ સીઝન ૧૪મા ક્રિકેટનો કરોડો રૂપિયાનો સટ્ટો શહેર પોલીસે ઝડપી પાડયો હતો જેમાં ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને સ્થાનિક પોલીસે અનેક કેસો કર્યા હતા.જેમાં ઝડપાયેલાઓના ફોનની તપાસ કરીને મોટા બુકીઓના નામ ખૂલ્યાં હતાં. પરંતુ પોલીસે માત્ર નાના માણસો સામે કાર્યવાહી કરી સંતોષ માની લીધો હતો.મોટા બુકીઓનાના નામ ખૂલ્યાં હોવા છતાં પોલીસ હજુ સુધી એમના સુધી પહોંચી શકી નથી.

જાે કે, બુકી કહેવાતા કેટલાક સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી પરંતુ અન્ય ગુનાઓમાં જેમ મૂળ સુધી પોલીસ પહોંચે છે અને જરૂર પડ્યે આઉટલૂક નોટિસ પણ કાઢે છે એવી કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં બુકીઓને મોકળું મેદાન મળી ગયું છે. પીસીબીમાં ફરજ બજાવતા એ સમયના પીઆઈ અને બે પોલીસ સબ ઈન્સ્પેકટરો સામે એ વખતે ગંભીર આરોપો પણ લાગ્યા હતા. કડક ગણાતા હાલના પોલીસ કમિશનર ડો. સમશેર સિંગની નિમણૂક થતાં જ સટ્ટાના કેસોની અધૂરી રહેલી કાર્યવાહી રાતોરાત જેમ તેમ પૂર્ણ કરી હોવાનું પોલીસ કમિશનરના ધ્યાન ઉપર આવતાં પ્રથમ પીઆઈની બદલી બાદ બે પીએસઆઈની બદલી કરી નાખી હતી.શહેર પોલીસથી બચવા માટે બુકીઓએ શહેરની હદની બહાર જિલ્લાના અંતરિયાળ ભાગોમાં આવેલા ફાર્મ હાઉસ અને રિસોર્ટમાંથી સટ્ટો લેવાનું શરૂ કર્યું છે.મોબાઈલના સીધા ઉપયોગથી નેટવર્ક ઝડપાઈ જતું હોવાથી હવે ઈન્ટરનેટ કોલિંગની મદદથી સટ્ટો લેવાનું અને રમાડવાનું શરૂ કર્યું છે. જ્યારે એક મોટા બુકીએ તો સટ્ટા ઓન વીલ્સ એટલે કે પોલીસ ઝડપી ના શકે એ માટે એક જ સ્થાને રહેવાને બદલે ચાલતી કારમાં સટ્ટો લેવાનું શરૂ કર્યું છે.

ટોમી, ભાવિક, જિનગર પુનઃ સક્રિય થયા

શહેર પોલીસના ચોપડે ચઢેલા અને અત્યાર સુધી હાથમાં નહીં આવેલા બુકીઓએ ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી હોવાનું બહાર આવ્યું છે જેમાં ટોમી પટેલ દુબઈથી ધંધાનું સંચાલન કરે છે. જ્યારે લઠ્ઠાકાંડથી ફેમસ થયેલા કેમિકલ ચોર જયેશ ઠક્કરનો પુત્ર ભાવિક પણ છૂટયા બાદ પુનઃ સક્રિય થયો છે. આ ઉપરાંત વિસનગરનો ઉપાધ્યાય અને વ્યાસ અટક ધરાવતો બુકી પણ સક્રિય છે અને શહેરનો હોવા છતાં પોલીસની પહોંચની બહાર રહેતો કિરણ જિનગર પણ સક્રિય થયો હોવાનું કહેવાય છે.

ગોઠવણ કરી બુકીઓએ જિલ્લામાં સટ્ટાની પ્રવૃત્તિઓ શરૂ કરી

ક્રિકેટના સટ્ટા ઉપર શહેર પોલીસની બાજનજર હોવાનું જાણી ચૂકેલા બુકીઓએ હવે જિલ્લાના ફાર્મ હાઉસ, રિસોર્ટમાં પ્રવૃત્તિઓ શરૂ કરી છે. આ વાત જિલ્લા પોલીસથી અજાણ હોય એમ માની શકાય નહીં. અગાઉ માર્ચ ૨૦૧૫માં ઈડીએ શહેર નજીકથી પ૦૦ કરોડનો સટ્ટો ઝડપી પાડયો હતો, જેમાં જિલ્લા એલસીબીની મિલીભગત બહાર આવી હતી. એને ખાસ્સો એવો સમય થઈ ગયો હોવાથી બુકીઓએ ગોઠવણ કરી જિલ્લામાં સટ્ટાની પ્રવૃત્તિઓ મોટાપાયે શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution