આણંદ, તા.૫

આજના ટેકનોલોજી અને ઓટોમેસન યુગમાં દુનિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. યુવાન વિદ્યાર્થીઓ તેમના ઇનોવેટિવ આઇડિયાને વિવિધ માધ્યમોથી સાર્થક સ્વરૂપ આપી નવાં સર્જન કરી રહ્યાં છે. આ કાર્યક્રમમાં આઇએસએ  તેનાં પ્રોજેક્ટ પીએમસીડી દ્વારા વિશ્વભરમાંથી તેજસ્વી તારલાઓની પસંદગી કરે છે. વિદ્યાર્થીઓ પોતાના વિચારોને યોગ્ય આયામ આપી શકે તે હેતુથી આઇએસએ દ્વારા તેમને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. આઇએસએ દ્વારા ૨૦૨૦-૨૧ માટે તાજેતરમાં જ વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ પાસેથી તેમનાં વિચારો અને તેમનાં અનુભવો દ્વારા નવીનીકરણ માટે પ્રોફાઈલ મગાવવામાં આવી હતી. પ્રાપ્ત પ્રપોઝલમાંથી ૧૬ વિદ્યાર્થીઓની વિશ્વસ્તરીય કમિટી દ્વારા પસંદગી કરવામાં આવી હતી, જેમાં એસવીઆઈટી ખાતે ઇન્સ્ટ્રૂમેનટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થી અર્પિત શાહ અને અનલ ઉપાધ્યાય ઉપરાંત એક વિદ્યાર્થીની કુ. હિતેશી વસાવડાની પસંદગી કરવામાં આવી છે. ત્રણેયને કુલ ૨૩૫૦ ડોલર એટલે કે અંદાજે રૂપિયા ૧,૭૬,૨૫૦ ની સ્કોલરશીપ આપવામાં આવી છે. વિશ્વ સ્તરની સંસ્થાથી આર્થિક સહાય મળતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, એસવીઆઈટીના આઈસી વિભાગના વડા ડા. આર.બી. પટેલ તરફથી તેમને સતત માર્ગદર્શન મળતું રહે છે. પરિણામે તેઓ આજે આ સ્કોલરશીપ મેળવી શક્યા છે. આ સ્કોલરશીપની મદદથી તેઓ ઓટોમેસન ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી સાધનોની ખરીદી કરશે. તેમનાં ફાઈનલ યરના પ્રોજેક્ટમાં અને અન્ય ઇનોવેટિવ પ્રોજેક્ટમાં ઉપયોગી થશે.