અરવલ્લી : બીપીએલ લાભાર્થી, અનુસૂચિત જાતિ જનજાતિના જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક વીજ મીટર આપવાનું અને આવા મીટરોના વીજ બીલોમાં પણ સરકાર દ્વારા રાહત આપવાની ઝુંપડપટ્ટી વીજકરણ યોજના અમલમાં મૂકાઈ છે.પરંતુ આવા સાચા લાભાર્થીઓનો હક ઝૂંટવી મોડાસા ટાઉન સબ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર ઈજનેરે કેટલાક મળતીયાઓ સાથે મળી ગરીબોના ૮૦૦થી વધુ વીજ મીટર પૈસાદાર લોકોના બંગ્લોઝમાં લગાવી દઈ લાખ્ખો રૂપિયા રોકડી કરી લેવામાં આવી હોવાની ફરિયાદ થતા વીજ વિભાગની મહેસાણા અને સર્કલ કચેરીના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો હતો. વિજિલન્સની તપાસ બાદ આખરે જુનિયર એન્જિનીયરની સંડોવણી હોવાનું ખુલતા ચીફ એન્જિનીયર પી. બી. પંડ્યાએ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેતા વીજતંત્રના કેટલાક લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે  

ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડના ચીફ ઓફિસર પી બી પંડ્યાએ મોડાસા ટાઉન સબ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયરએ સરકારી સ્કીમના મીટર લાભાર્થીના ઘરે લાગવાના બદલે અન્ય લોકોના ઘરે લગાવી દેવામાં આવ્યા હોવાથી આર્થિક નુકશાન થતા અને બિલીંગ વિભાગના સિનિયર આસિસ્ટન્ટના લોગ ઈન આઈડીનો દૂર ઉપયોગ કરવા માટે સસ્પેન્ડકરી મહેસાણા હેડ ઓફિસ પર તાત્કાલીક હાજર થવા ફરમાન કર્યું છે. ઝુંપડપટ્ટી વીજ કરણ યોજનામાં લાભાર્થીનો નગરપાલિકા કે ગ્રામ પંચાયતના દાખલાના આધારે નિઃશુલ્ક વીજ મીટર આપવામાં આવે છે.અને આવા મીટરના બીલમાં યોજના હેઠળ લાભ પૂરો પડાય છે.પરંતુ મોડાસા નગર અને તેની આસપાસના વિસ્તારોમાં બહારથી આવેલ એક ઈજનેરની છત્રછાયા નીચે ગેંણા અને મનસુરી તરીકે ઓળખાતા બે દલાલો દ્વારા આવા સંખ્યાબંધ મીટરો રૂ.૬ હજારમાં વેચી બંગલાઓમાં લગાવી દેવામાં આવ્યા હોવાની લેખીત ફરીયાદ વીજ વિભાગની ઉચ્ચ કચેરી મહેસાણા ખાતે કરાઈ હતી.આ અરજી કરનાર અરજદારે ઉચ્ચ અધિકારીઓને સચોટ અને પુરાવા સહિતની માહિતી પૂરી પાડતાં છેલ્લા એક અઠવાડીયામાં બે વાર વિજિલન્સ તપાસ હાથ ધરાઈ હતી.