વડોદરા : પારુલ યુનિવર્સિટીના ફિઝિયોથેરાપી ફેકલ્ટીના ડીન - પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થિની ઉપર ગુજારાયેલા બળાત્કારના પ્રકરણમાં ભોગ બનેલી યુવતી દ્વારા યુનિ.ના સત્તાધીશો સામે પગલાં લેવા માટે શહેર પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. બળાત્કારની ઘટના બાદ શારીરિક અને માનસિક ત્રાસ, ધમકી અને ભોગ બનેલી યુવતીનું નામ જાહેર કરી દેનાર પારુલ યુનિ.ના સંચાલક ડો. દેવાંશુ પટેલ ઉપરાંત અન્ય ચાર હોદ્દેદારો સિકયુરિટી ઓફિસર રામગઢિયા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતના આદેશનો ભંગ કરી ભોગ બનેલી યુવતીના નામ સાથેનો પત્ર અખબારોમાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરવા બદલ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. જેમાં પારુલ યુનિ. સાથે સંકળાયેલા કુલ ૬ સામે કાર્યવાહી કરવાની માગ છે.

વારંવાર બળાત્કારની ભોગ બનેલી યુવતીએ પોલીસ કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં પારુલ યુનિ.ના ટ્રસ્ટના પ્રમુખ ડો. દેવાંશુ પટેલ, મેડિકલ ડિરેકટર ડો. કોમલ પટેલ, કુલ સચિવ ડો. એચ.એસ.વિજયકુમાર, ડો. અજિત ગંગવાણે, બળાત્કારનો આરોપ ધરાવતા ડો. નવજ્યોતકુમાર શાંતિલાલ ત્રિવેદી ઉપરાંત પારુલ યુનિ.ના સિકયુરિટી ઓફિસર અને નિવૃત્ત ડીવાયએસપી સામે આઈપીસી કલમ-રર૮, ૫૦૩, ૫૦૬, ૫૦૯ અને આઈટી એક્ટ ૬૬ઈ, ૬૭એ મુજબ ગુનો દાખલ કરવા માટે લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આરોપી નં.૧, ર, ૩, ૪ અને ૬ મોટી વગ ધરાવતા હોવાથી અમને ન્યાય મળતો નથી. અગાઉ અમરી તા.૪-૯-ર૦ની વાઘોડિયા પોલીસ મથકે કરાયેલી અરજીમાં કોઈ જ કાર્યવાહી થઈ નથી અને આરોપી વડોદરા શહેરમાં રહેતા હોવાથી પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવી ન્યાય અપાવવાની માગ કરવામાં આવી છે.ભોગ બનેલી યુવતીએ આ ફરિયાદની નકલ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર, રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારને પણ મોકલી છે. પારુલ યુનિ.ની એજ્યુકેશન ટૂર અને કોન્ફરન્સ દરમિયાન ડીન પ્રિન્સિપાલ ડો. નવજ્યોત ત્રિવેદીએ તા.૧૯-૧૨-૨૦૧૯ના રોજ દિલ્હી ખાતે અને ત્યાર બાદ વડોદરા ખાતે જુદી જુદી જગ્યાએ યુવતીને ભોળવી-પટાવી-લાલચ આપી-ફોસલાવી સંમતિ વગર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કરિયર બગાડી નાખવાની ધમકી આપી વારંવાર ગુજારાતા બળાત્કાર અંગે પારુલ યુનિ. સત્તાવાળાઓને કરેલા ઈ મેલ બાદ મારો ખુલાસો પૂછયા વગર જ મને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હોવા ઉપરાંત પારુલ યુનિ.ના સત્તાવાળાઓએ મામલો દબાવી દેવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા.

અંતે તા.૪-૯-ર૦ના રોજ વાઘોડિયા પોલીસ મથકે અરજી કરતાં પીએસઆઈ પરમારે કાર્યવાહી કરવાને બદલે યુનિ.ના સિકયુરિટી ઓફિસર રામગઢિયા સાથે સંપર્ક કરાવ્યો હતો. બાદમાં વારંવાર ફોન અને વોટ્‌સએપ કોલથી રામગઢિયા મને અરજી પાછી ખેંચી લેવા માટે ધાકધમકી આપતા હતા. બાદમાં પીએસઆઈ પરમારે જ ભેદી ભૂમિકા ભજવી ડો. દેવાંશુ પટેલ અને સિકયુરિટી ઓફિસર રામગઢિયા સાથે મુલાકાત કરાવી હતી, જ્યાં પણ અરજી પાછી ખેંચી લેવા માટે ધાકધમકી આપી દબાણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ વાઘોડિયા પોલીસ મથકે, જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી, એ દરમિયાન પારુલ યુનિ. સત્તાવાળાઓએ કોલેજ કમિટીમાં મુકેલ અંગત પુરાવા અને અરજીમાં અમારા નામજાેગ ઉલ્લેખ કરી જાહેર કરી દેતાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીની ભારે બદનામી થઈ હતી અને યુવતી માનસિક આઘાતમાં સરી પડી હતી. વાયરલ કરાયેલ અને અખબારોમાં અમારા નામજાેગ આવેલ લખાણ પ્રસિદ્ધ કરી બળાત્કારનો ભોગ બનેલી યુવતીઓ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા તેમજ ભારત સરકારના મહિલા સુરક્ષા વિભાગની સૂચના અને કાયદાની જાેગવાઈ મુજબ ભોગ બનનારનું નામ જાહેર ન થાય તેમ છતાં આરોપી નં.૧ થી ૪ દ્વારા ગંભીર ગુનાઓ કરાયા છે, જેનાથી સામાજિક બહિષ્કાર અને હાંસીપાત્ર બન્યા હોવા ઉપરાંત બદનામી થઈ હોવાથી આરોપીઓ સામે કડક પગલાં ભરવા માટે ફરિયાદ કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રીની સૂચના છતાં આવા ગુનાઓમાં વગદાર બચી જાય છે?

વડોદરા. શહેરના નવલખી મેદાનમાં બળાત્કારની ઘટના બાદ શહેરભરમાં હોબાળો મચી જતાં શહેરમાં દોડી આવેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહિલાઓ, યુવતીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની વાત જણાવી ચમરબંધીઓને પણ મહિલા વિરુદ્ધના ગુનાઓમાં છોડાશે નહીં એવી જાહેરાત કરી હતી, પરંતુ પારુલ યુનિ.ના બળાત્કાર કેસમાં યુનિ.ના સંચાલકો વગદાર ધરાવતા હોવાથી એમની સામે કડક કાર્યવાહી નહીં કરાતી હોવાનો આક્ષેપ ઊભો થયો છે ત્યારે જિલ્લા પોલીસ પણ બળાત્કારના આરોપીને લાંબા સમયથી ઝડપી શકતી નથી એમ બહાર આવ્યું છે.

પોલીસ કમિ.ને કરેલી ફરિયાદના આરોપી

• ડો. દેવાંશુ પટેલ

(ટ્રસ્ટી-પ્રમુખ, પારુલ યુનિ)

• ડો. કોમલ પટેલ (ટ્રસ્ટી, મેડિકલ ડિરેકટર, પારુલ યુનિ.)

• ડો. એચ.એસ.વિજયકુમાર (કુલ સચિવ, પારુલ યુનિ.),

• ડો. અજિત ગંગવાણે (નાયબ કુલ સચિવ, પારુલ યુનિ.),

• ડો. નવજ્યોતકુમાર શાંતિલાલ ત્રિવેદી (રહે. રાજમંદિર, પાલનપુર)

• ડો. રામગઢિયા (સિકયુરિટી ઓફિસર, પારુલ યુનિ.)