અલવર-

કિશનગઢબાસ વિસ્તારના ખૈરથલમાં બાબા રામદેવની કંપની પતંજલિ બ્રાન્ડના નામે સરસવના તેલના પેકિંગની બાતમી મળતાં વહીવટીતંત્રે સિંઘાનિયા ઓઇલ મિલ પર દરોડા પાડીને સીલ કરી દીધી હતી. ફેક્ટરીમાં પતંજલિની પેકિંગ મટિરિયલનો મોટો જથ્થો મળી આવ્યો છે. ખૈરથલના ઇસ્માઇલપુર રોડ પર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થિત સિંઘાનિયા ઓઇલ મિલ પર આજે જિલ્લા વહીવટીતંત્રે દરોડો પાડ્યો હતો અને પતંજલિના નામે ભેળસેળયુક્ત સરસવ તેલ સપ્લાય કરવાના આરોપસર સીલ કરી દીધી હતી. 

મળતી માહિતી મુજબ ખૈરથલથી સરસવના તેલનો મોટો જથ્થો આ ફેક્ટરીમાંથી બાબા રામદેવની કંપની પતંજલિમાં જાય છે. પતંજલિ તેના પર પોતાનો લોગો મૂકીને બજારમાં વેચે છે. આ ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટર નન્નુમલ પહાડિયાએ ઝડપી કાર્યવાહી કરી અલવર સબડિવિઝન અધિકારી યોગેશ ડાગુરની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. નોંધપાત્ર છે કે ખાદ્યતેલ સંગઠને પતંજલિ બ્રાન્ડની મસ્ટર્ડ ઓઇલની જાહેરાત અંગે પહેલાં જ વાંધો ઉઠાવ્યો છે. જેમાં પંતજલિના સરસવ તેલની એક જાહેરાતમાં એવું બતાવવામાં આવ્યું હતું કે પંતજલિ સિવાયની તમામ કંપનીઓ તેલમાં ભેળસેળ કરે છે. ખાદ્યતેલ સંગઠને આ જાહેરાત પર પોતાનો વાંધો ઉઠાવ્યો હતો. જો કે, આ વાંધાનો અલવરમાંની કાર્યવાહી સાથે કોઈ સંબંધ નથી. જિલ્લા કલેક્ટરને ભેળસેળની ફરિયાદ મળી હતી અને કાર્યવાહી દરમિયાન ખુદ હાજર હતાં. કહેવામાં આવી રહ્યું છે કે વહીવટીતંત્રએ ત્યાંથી કેટલાક રેપર્સ અને નમૂનાઓ એકત્રિત કર્યા છે જેની તપાસ બાદ જ ભેળસેળની જાણકારી મળશે. ત્યાં સુધી વહીવટીતંત્રે ફેક્ટરીને સીલ મારી દીધું છે.