લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026 |
2277
કાપોદ્રા રહેતો યુવક પ્રેમ સંબંધમાં પિતાના પૌત્રીને ભગાવી લાવતાં કૌટુંબિક કમઠાણ સર્જાયું હતું. પૌત્રીને પાછી મેળવવા માટે ફોઈ-ફૂઆએ સુરત આવી ભાણેજને માર મારવા સાથે અપહરણ પણ કરી ગયા હતાં.
કાપોદ્રા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સીમાડા નાકા પાસે આવેલી શક્તિવિજય સોસાયટીમાં જયંતી મેઘાભાઇ ભાદરકા તેમના પરિવાર સાથે રહે છે. અમરેલીના લાઠી તાલુકાનાં વતની જયંતી ભાદરકા હીરાનું કામ કરે છે. જયંતીની ફોઈ રતનબેન, ફુઆ અમરશીભાઇ હરિભાઇ મકવાણા અમદાવાદમાં ગીતા મંદિર પાસે રહે છે. જયંતીનાં નાના દીકરા સાગરને ફોઇ રતનનાં દીકરા ભરતની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
મામા-ફોઇનાં પરિવારમાં ત્રીજી પેઢીએ બંધાયેલા આ પ્રેમ સંબંધમાં કૌટુંબિક માથાકૂટ ઝઘડા પણ શરૂ થયા હતાં. દરમિયાન અઠવાડિયા અગાઉ સાગર અમદાવાદ ગયો અને રીતુને ભગાવી લાગ્યો હતો. આ બંનેએ લીવ ઇન કરાર કરી લીધા અને સાથે રહેવા માંડ્યા હતાં. સાગરનાં આ પગલાથી તેના પિતા જયંતીનાં ફોઈ-ફુઆ એટલે કે રીતુનાં દાદા-દાદી ભારે ગુસ્સે ભરાયા હતાં. અમરશીભાઇ તેમની પૌત્રીને શોધતાં તેમના પરિવાર સાથે ઇકો ગાડી લઇ સુરત આવી ગયા હતાં. પાંચમી તારીખે સાંજે મકવાણા પરિવાર સીમાડા નાકે શક્તિ વિજય સોસાયટી પહોંચ્યો હતો. તેમણે જયંતી ભાદરકાને બહાર મળવા બોલાવ્યો હતો. બાદમાં દીકરી રીતું અમને પાછી આપી દે, તે ક્યાં છે એ કહી દે એમ કહી જ્યંતીને માર મારવા માંડ્યો હતો. બે મહિલા અને પાંચ પુરુષોઓ ઘેરો ઘાલી જયંતીને ઢોર માર માર્યો હતો.
આ જ સોસાયટીમાં જ રહેતાં જયંતીનાં સગાભાઇ રમેશ લાલજી ભાદરકાને તેના ભાઇ પર હુમલો થયાનું જાણવા મળતાં તે બહાર દોડી ગયો હતો. રમેશે જોયું તે જયંતીને માર મારનાર અન્ય કોઇ નહીં પરંતુ તેના ફોઈ-ફુઆ અને તેમના સંતાનો જ હતાં. આ પરિવારે જયંતીને મારવા સાથે બળજબરીથી ઇકો ગાડીમાં બેસાડી દેવાયો હતો. અમારી દીકરી રીતું અમને પાછી જોઈએ એમ કહી રમેશની હાજરીમાં પણ જયંતિ ને માર મરાયો હતો. દીકરી પાછી નહીં આપે તો તને મારી નાખીશું એમ કહી તેઓ જયંતીનું અપહરણ કરી ગયા હતાં. ત્યારબાદ બીજા દિવસે પણ જયંતીનો સંપર્ક ન થતાં રમેશ ભાદરકાએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.