બેદરકારી : પ્રા. શાળાના શિક્ષિકા પણ સસ્પેન્ડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026  |   1386

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજનમાં ગંભીર બેદરકારી સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગત ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ શાળામાં અપાતા અલ્પાહારમાં મૃત ગરોળી મળી આવવાની ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે શાળાના કુલ ૩૬ બાળકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં તમામ બાળકો સ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું હતું. તેમ છતાં, બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન કરતા વહીવટી તંત્રએ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ તમામ બાળકોને વધુ અવલોકન માટે એસ.ડી.એચ ઈડર ખાતે ખસેડ્યા હતા જ્યાં સાંજના પાંચ વાગ્યા સુધી નિરીક્ષણમાં રાખ્યા બાદ તબીબી સલાહ મુજબ તમામને રજા આપવામાં આવી હતી. ગામમાં કોઈ પણ પ્રકારની કટોકટી ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે સાંજથી સવાર સુધી ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. હાલ તમામ ૩૬ બાળકોની તબિયત સંપૂર્ણપણે સ્થિર અને સારી હોવાનું વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

આ ઘટનાની ગંભીરતાને પારખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ફરજમાં નિષ્કાળજી દાખવનાર જવાબદાર શિક્ષક અનિલાબેન.એ.સુથારને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવાનો આદેશ કરવામાં આવતા સમગ્ર જીલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત ઈડર મામલતદાર પૂજા જાેષીના આદેશ અનુસાર હસનપુરા પ્રાથમિક શાળાના કેન્દ્ર સંચાલક સુશીલાબેન એસ.રાઠોડ,રસોઈયા જમીલાબેન.બી.બલોચ અને મદદનીશ સુગરાબેન એ.સંઘીને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે સઘન ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીએમ પોષણ યોજનાના અસરકારક અમલીકરણ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે ૧૧ ઓગસ્ટના રોજ તમામ મામલતદારો અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કક્ષાએથી ખાસ ટીમોની રચના કરવામાં આવી છે જે જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલા ૧૨૦૦ જેટલા પીએમ પોષણ કેન્દ્રોની આકસ્મિક તપાસ કરશે. આ તપાસ દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે નિરીક્ષણના ફોટોગ્રાફ્સ લેટીટ્યુડ-લોન્ગીટ્યુડ (ન્ટ્ઠંૈંેઙ્ઘી-ન્ર્હખ્તૈંેઙ્ઘી) સાથે મોકલવા તમામ મામલતદારોને કડક સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાબરકાંઠા દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક આદેશો આપવામાં આવ્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઓ અને બી.આર.સી કો- ઓર્ડિનેટરઓને તેમના વિસ્તારમાં આવતા તમામ કેન્દ્રોની મુલાકાત લઈ રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે તાકીદ કરવામાં આવી છે. કોઈપણ શાળામાં બાળકોને ભોજન કે નાસ્તો પીરસતા પહેલા શાળાના આચાર્ય અથવા જવાબદાર શિક્ષક દ્વારા તેનું ટેસ્ટિંગ કરવું ફરજિયાત રહેશે અને તે અંગેનું રજિસ્ટર પણ નિભાવવા જણાવવામાં આવ્યું છે. ભોજન તૈયાર કરવા માટે વપરાતા અનાજ,કઠોળ,તેલ અને મસાલાની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જાે તપાસ દરમિયાન ભોજનની ગુણવત્તામાં ખામી કે ભેળસેળ જણાશે તો સંબંધિત જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે તેમ પણ જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોના આરોગ્ય અને સુરક્ષા સાથે જાેડાયેલી બાબતોમાં કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને રોગચાળો ન ફેલાય તે માટે રસોઈ બનાવવાની જગ્યા અને વાસણોની સ્વચ્છતા રાખવા માટે રસોઈયાઓને ખાસ તાલીમ અને સૂચનાઓ આપવા જણાવવામાં આવ્યું છે. બાળકોને પૌષ્ટિક અને સલામત ભોજન મળી રહે તે જિલ્લા વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ માટે સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution