હૈદરાબાદ- 

હૈદરાબાદ પોલીસે ગુરુવારે કૌભાંડગ્રસ્ત કાર્વી સ્ટોક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડના બે વરિષ્ઠ અધિકારીઓની ગ્રાહકોની સિક્યોરિટીઝ ગીરવે રાખીને બેંકો પાસેથી લીધેલા નાણાંની ગેરરીતિ કરવા બદલ ધરપકડ કરી છે.

પોલીસની અખબારી યાદી મુજબ કાર્વીના મુખ્ય કાર્યકારી અધિકારી રાજીવ રંજન સિંહ અને મુખ્ય નાણાકીય અધિકારી જી કૃષ્ણ હરિની ઇન્ડસઇન્ડ બેંકની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અગાઉ કાર્વીના ચેરમેન સી પાર્થસારથીની ઇન્ડસઇન્ડ બેંકને ૧૩૭ કરોડ રૂપિયાની લોન ન ચૂકવવા બદલ ધરપકડ કરી હતી.

નવેમ્બર ૨૦૧૯ માં સેબીએ KSBL ને નવા બ્રોકરેજ ક્લાયન્ટ્‌સ લેવા પર રોક લગાવી હતી કારણ કે તે જાણવા મળ્યું હતું કે બ્રોકરેજ કંપનીએ ગ્રાહકોની સિક્યોરિટીઝના ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે.

નવેમ્બર ૨૦૨૦ માં બોમ્બે સ્ટોક એક્સચેન્જે કાર્વી સ્ટોક બ્રોકિંગને ડિફોલ્ટર જાહેર કર્યું અને નેશનલ સ્ટોક એક્સચેન્જે પણ સમાન કાર્યવાહી શરૂ કર્યા બાદ બ્રોકરેજ કંપનીમાંથી તેનું સભ્યપદ પાછું ખેંચી લીધું હતું.