લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026 |
1683
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ઓનલાઇન જમવાનો ઓર્ડર કેન્સલ કરવા જેવી નજીવી બાબતે મિત્રો વચ્ચે થયેલો ઝઘડો અત્યંત કરુણ અંજામમાં પરિણમ્યો છે. ગત ૧૩ મે ૨૦૨૬ના રોજ મોડી રાત્રે ઓનલાઇન ફૂડ ડિલિવરી મોડી થવાને કારણે ઓર્ડર કેન્સલ કરવા બાબતે થયેલી મારામારીમાં ૨૬ વર્ષીય યુવક આફતાબ ઇલીયાસ શેખનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે ઘટનાના આશરે સાડા ત્રણ મહિના બાદ, પીએમ રિપોર્ટ અને ડોક્ટરોના અંતિમ અભિપ્રાયના આધારે ઇસનપુર પોલીસે આરોપી રેહાન ઉર્ફે બોબો અહેજાદ અહેમદ શેખ (ઉંમર ૫૧) વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૧૦૬(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અનુસાર, મરણજનાર આફતાબ અને આરોપી રેહાન ઉર્ફે બોબો બંને ઇસનપુરના દાદાજીપાર્ક વિસ્તારમાં આલીશાન સ્કૂલની પાછળ રહેતા હતા અને પરસ્પર મિત્રો હતા. ગત ૧૩ મેના રોજ રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે તેમના મિત્ર વસીમ બેલીમે ઓનલાઇન જમવાનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ ઓર્ડર આવવામાં ઘણો સમય વીતી ગયો હોવાથી વસીમે ગુસ્સામાં ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. આ બાબતને લઈને ઇસનપુર ફેસલનગરના નાકે પરફેક્ટ મોબાઇલની દુકાન પાસે હાજર રેહાન ઉર્ફે બોબો અને આફતાબ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો.આ બોલાચાલી દરમિયાન આફતાબે રેહાનને લાફો મારી દીધો હતો, જેનાથી ઉશ્કેરાઈને રેહાન ઉર્ફે બોબોએ આફતાબને બેદરકારીથી ફેંટોનો આડેધડ માર માર્યો હતો. ત્યાં હાજર અન્ય મિત્રો ફરીદ, વસીમ, સાહીલ અને ઇરફાને વચ્ચે પડીને બંનેને છોડાવ્યા હતા. પરંતુ ઝઘડાથી મુક્ત થયા બાદ અચાનક આફતાબ જમીન પર ઢળી પડી બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.શરૂઆતમાં પોલીસે આ કેસમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને શબનું પીએમ કરાવ્યું હતું. પીએમ રિપોર્ટમાં આફતાબનું મોત શરીર પર થયેલી ઇજાઓના આઘાત (જીર્રષ્ઠા) ને કારણે દર્શાવવામાં આવ્યું હતું. મોતના ચોક્કસ કારણ અંગેનો અંતિમ તબીબી અભિપ્રાય ગત ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પ્રાપ્ત થયો હતો, જેમાં માથા અને કરોડરજ્જુના (મણકાના) ભાગે થયેલી ગંભીર ઇજાઓને લીધે આફતાબનું મોત થયાનું સ્પષ્ટ થયું હતું. પીએમ અભિપ્રાય મેળવવામાં વિલંબ થવાને કારણે આખરે ગત ૩૦ ઓગસ્ટના રોજ મૃતકના પિતરાઈ ભાઈ મોહીન ચમનખા શેખની ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે વિધિવત ગુનો નોંધ્યો છે. હાલમાં આ કેસની વધુ તપાસ પીએસઆઈ આઈ.એસ. પડાણ ચલાવી રહ્યા છે.