નવી દિલ્હી-

માઈક્રો બ્લોગિંગ ક્ષેત્રની જંગી કંપની ટ્વિટરને માટે એક વધારે મુસીબત ઊભી કરતાં હવે ભારત સરકારે તેને ફરમાવ્યું છે કે, ખેડૂત આંદોલનના બહાને ટ્વિટર પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહેલા 1,178 અકાઉન્ટ્સને બ્લોક કરી દેવામાં આવે. આ પહેલા ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ બતાવવા જણાતા 257 અકાઉન્ટ્સને બંધ કરવાનો કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે તેનાથી આ અલગ આંકડો છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરુવારે આ નવી નોટીસ ટ્વિટરને મોકલવામાં આવી છે. આ નોટીસ કંપનીને આઈટી ધારાની કલમ 69એ હેઠળ પાઠવવામાં આવી છે. 

ગૃહખાતા દ્વારા આ પ્રકારની સૂચી મોકલાતાં આઈટી ખાતાએ ટ્વિટરને આવી નોટીસ ફટકારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બાબતે ટ્વિટરના પ્રવક્તાએ કોઈ વધારે જવાબો આપ્યા નહોતા.સૂત્રોએ જણાવ્યું હતું કે, એવા પ્રકારના ખાતાઓને બ્લોક કરી દેવાની માંગ કરાઈ છે, જે ખાલીસ્તાની ટેકો ધરાવતા હોય અને વિદેશી ભૂમિ તેમજ પાકિસ્તાનથી ઓપરેટ થતા હોય. હાલ ખેડૂતોના રોષ પ્રદર્શનને પગલે આ પ્રકારના અકાઉન્ટ્સ દ્વારા જે પ્રકારની ગતિવિધિઓની માંગ કરાય છે તેનાથી જાહેરજીવન પર માઠી અસર થઈ શકે એમ છે, એમ જણાવાયું હતું.