સોલાર કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવાનું કહીને ખેડૂત સાથે પાંચ લાખની છેતરપિંડી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026  |   1881

ગીર સોમનાથનાં ખેડૂતને સોલાક કંપનીનાં ચેનલ પાર્ટનર બનાવવા સાથે સોલાર સંબંધિત સામાન પુરો પાડી વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવાની વાતમાં ફસાવી પાંચ લાખ પડાવી લેનાર ડિરેક્ટર અને મેનેજર સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.ગોડાદરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ગીર સોમનાથનાં ઉના તાલુકાના જશરાજ નગરના વતની પ્રતાપભાઈ ભાણાભાઈ મોરી વ્યવસાયે ખેડૂત છે. ગત ડિસેમ્બર ૨૦૨૫માં મોરીએ સોશિયલ મીડીયામા સનરૂટ એનર્જી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જાહેરાત જોઈ હતી. ચેનલ પાર્ટનર બનવાની ઓફર કરતી આ જાહેરાત સાથે અપાયેલા નંબર ઉપર મોરીએ કોલ કર્યો હતો. જેમાં વિવેક મિશ્રાએ વાત કરતાં જણાવ્યું હતું કે, અમે તમને સોલાર કંપનીના ચેનલ પાર્ટનર બનાવીશું. સાથે જ ડિસ્ટ્રીબ્યુટર તરીકે એજન્સી આપી ધંધો સેટ કરવામાં તમામ મદદ કરીશું.

મોરીને સોલારનાં ધંધામાં રસ હોવાથી તે જાન્યુઆરી ૨૦૨૬માં સુરત આવ્યો હતો. ગોડાદરા વિસ્તારના કેપિટલ સ્ક્વેરમાં આવેલી સનરૂટ એનર્જી સોલ્યુશન કંપનીની ઓફિસમાં તેઓ ગયા હતાં. જ્યાં વિવેક મિશ્રા મળ્યા અને મોરીની મુલાકાત ટીમ મેનેજર આયુષ ઉપાધ્યાય સાથે કરાવી હતી. આ બંનેએ જણાવ્યું હતું કે, તમે ચેનલ પાર્ટનર બનશો તો સોલાર સંબંધિત તમામ સામાન ડિસ્પ્લે માટે આપવામાં આવશે. સાથે વ્યવસાય શરૂ કરાવવામાં સંપૂર્ણ મદદ પણ કરાશે. જે માટે પાંચ લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવવા પડશે.

પેમેન્ટ થયા બાદ સોલાર રૂફટોપ, સોલાર કેમેરા, સોલાર સ્ટ્રીટ લાઈટ વગેરેનો સામાન તેમજ બ્રાન્ડિંગ મટીરિયલ પહોંચાડવાની બાંહેધરી પણ તેમણે આપી હતી. આ વાતમાં વિશ્વાસ મૂકી મોરીએ તેમને પાંચમી જાન્યુઆરીએ પાંચ લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ તેઓ ઓનલાઇન ટ્રેનિંગ આપવાની તથા ટૂંક સમયમાં બ્રાન્ડિંગ મટીરીયલ અને અન્ય સામાન મોકલવાની ખાતરી આપતા રહ્યા હતાં. જો કે, તેઓએ એક પણ વાત અમલમાં મૂકી ન હતી. ત્રણેક મહિના બાદ મિશ્રા અને ઉપાધ્યાયે મોરીનાં કોલ રીસિવ કરવા પણ બંધ કરી દીધા હતા. પાંચ લાખ રૂપિયા લઇ સોલારના ધંધા માટે સરસામાન નહીં અપાતાં મોરી ફરીથી સુરત તપાસ કરવા આવ્યા હતા. જેમાં આ કંપનીની ઓફિસ ૩૧ માર્ચથી બંધ કરી દેવાયાનું જાણવા મળ્યું હતું. જેથી મોરીએ આયુષ ઉપાધ્યાય અને વિવેક મિશ્રા ઉપરાંત કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર વિનિતા મુર્ગેશ પડયાસી તથા ર્હષિતા રજ્જનસિંગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution