સ્વિસ બેંકમાં ૩૪ કરોડ હોવાનું નકલી સ્ટેટમેન્ટ બતાવી છેતરપિંડી આચરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026  |   4752

અમદાવાદના પૉશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં સરકારી આવાસ યોજના હેઠળ સસ્તા ભાવે ફ્લેટ અપાવવાના બહાને નિર્દોષ નાગરિકોને આર્થિક ચૂનો લગાવવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી રાજેશ ઉર્ફે રાજાભા બાબુલાલ રાઠોડે પોતાને ઔડાના ડાયરેક્ટર તેમજ નિવૃત્ત આઈ.બી. ઓફિસર તરીકે ઓળખાવીને સોશિયલ મીડિયા મેનેજર મહિલા અને તેના મિત્ર વર્તુળના ૧૧ લોકો પાસેથી રૂ. ૨૪,૫૦,૦૦૦ પડાવી લીધા છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગતો અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં રહેતી નિયતીબેન જૈન નામની ૩૪ વર્ષીય મહિલા, જે સોશિયલ મીડિયા મેનેજમેન્ટનો ધંધો કરે છે, તેના સંપર્કમાં આશરે નવ મહિના પહેલાં આરોપી રાજેશ રાઠોડ આવ્યો હતો. આરોપીએ પોતાની કથિત ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાના બહાને નિયતીબેન સાથે સંપર્ક વધાર્યો હતો. આરોપી વારંવાર તેમના ઘરે જતો અને નિયતીબેનને પોતાની દીકરી સમાન ગણાવી ઘરોબો કેળવ્યો હતો. ત્યારબાદ આરોપીએ વિશ્વાસમાં લઈ જણાવ્યું કે, તેની પાસે ઔડા યોજનાના સરેન્ડર થયેલા મકાનો ખાલી પડ્યા છે, જે તે સસ્તામાં અપાવી શકે છે.મકાનની લાલચમાં આવીને નિયતીબેને ટોકન પેટે બે લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત તેમના ઓળખીતા એવા કમલાબેન દેશાઈ, પ્રશાંત ગાંધી, મોનાંગ ચુડાસમા સહિત કુલ ૧૧ લોકોએ પણ સસ્તા ફ્લેટ મેળવવાની આશાએ આરોપીને બેંક ટ્રાન્સફર અને રોકડા મળીને કુલ રૂ. ૨૪.૫૦ લાખ ચૂકવ્યા હતા. વિશ્વાસ જીતવા માટે આરોપીએ સ્વિસ બેંકનું નકલી સ્ટેટમેન્ટ પણ બતાવ્યું હતું, જેમાં ૩૪ કરોડ રૂપિયા જમા હોવાનો દાવો કરાયો હતો.પરંતુ મહિનાઓ વીતવા છતાં મકાન ન મળતા અને તપાસ કરતા ભાંડો ફૂટ્યો કે આરોપી ઔડામાં કોઈ હોદ્દો ધરાવતો નથી કે નિવૃત્ત આઈબી ઓફિસર પણ નથી. પૈસા પાછા માગતા આરોપીએ આપેલા ચેક પણ બેંકમાં અપૂરતા ભંડોળને કારણે બાઉન્સ થયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution