આણંદ : આણંદ -ખેડા સહિત ચરોતર પંથકમાં એક સાથે બે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના પગલે આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સમગ્ર પંથકમાં ઠંડીમાં પણ ઘટાડો થયો છે. છેલ્લાં ચાર-પાંચ દિવસથી પારાએ ઊંધી ગતિ શરૂ કરી છે! લઘુત્તમ તાપમાનનો પારો ૭થી ૮ ડિગ્રી વધતાં ઠંડીમાં રાહત અનુભવાઈ રહી છે. બીજી તરફ રાજ્યના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી એકાદ બે દિવસ આણંદ, ખેડા સહિત સમગ્ર ચરોતર પંથકમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો 16.5 ડિગ્રી નોધાયો હતો.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 9 ડિગ્રી ઉંચકાતા 18.5 ડિગ્રીઅે પહોચીં જવા પામ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાનનો પારો છેલ્લા ત્રણ દિવસમાં 23.5 ડિગ્રી ઉંચકાઈને 27 ડિગ્રીઅે પહોચ્યો હતો. જ્યારે ઉત્તર-પૂર્વીય દિશામાં ફૂંકતા ઠંડા પવનનોનું જોર ઘટીને 3.1 કિ.મિ પ્રતિ કલાક નોધાતા સમગ્ર પંથકમાં ઠંડીનું જોર ઘટ્યું છે. બીજી આણંદ કૃષિ યુનિ.ના હવમાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર અગામી રવિવાર અને સોમવારે આણંદ-ખેડા જિલ્લાને કેટલા ભેજયુક્ત વાળી જગ્યામાં હળવા વરસાદી છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર અગામી એકાદ-બે દિવસ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ રહેશે. ક્યાંક વચ્ચે હળવા વરસાદી છાંટા પડવાની સંભાવના પણ છે. જેને લઈને આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ઠંડીનું જોર હાલ ઘટ્યું છે.

વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થવાની સંભાવના વર્તાઇ રહી છે. ત્યારે ધરતીપુત્રો માટે ખેતી વિભાગે અમૂક સૂચનો કર્યા હતા. ફુગ જન્ય રોગ આવવાની સંભાવના છે. ઊભા પાકમાં પાણી ભરાય તો તુરંત જ નિકાલ કરવો તથા પિયત અને યુરિયા ખાતર આપવાનું ટાળવું જોઇએ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહીં ખાસ કરીને શાકભાજીના પાકો,મરી મસાલાના પાકોમાં ભુરી છારા રોગ આવવાની શકયતાઓ રહેલી છે. તેનાં નિયંત્રણ માટે 10 કિગ્રા ગંધક પાઉડર વહેલી સવારે ઝાકળ ઉડ્યા પહેલાં જમીનને બદલે દરેક છોડ ઉપર સરખી રીતે પડે તેમ ડસ્ટરથી છાંટવો અથવા 0.2 ટકા ગંધક વેટેબલ પાઉડર 10 લિટર પાણીમાં 25 ગ્રામ પ્રમાણે ઝાકળ ઉડી ગયાં પછી છંટકાવ કરવા ખેતી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.