મુંબઈ-

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આગામી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માં ટીમ ઇન્ડિયાના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગઈ કાલે જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી ત્યારે તેણે તેની સાથે એક મોટા સમાચાર પણ આપ્યા. તેમણે કહ્યું કે એમએસ ધોનીને આગામી ટી-૨૦ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના મેન્ટોર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સમાચાર બાદ સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ જગત સુધી દરેક જણ પોતાનો અભિપ્રાય આપતા જોવા મળ્યા હતા. પરંતુ બીસીસીઆઈના આ ર્નિણય પર ધોની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડની સર્વોચ્ચ પરિષદને આજે એમએસ ધોની વિરુદ્ધ ફરિયાદ મળી છે. કારણ કે તેમને ટીમ ઇન્ડિયાના મેન્ટોર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લોઢા સમિતિના સુધારામાં હિતોના સંઘર્ષની કલમને ધ્યાનમાં રાખીને આ ફરિયાદ નોંધવામાં આવી છે. તે સમજી શકાય છે કે ધોની એક ટીમમાં ખેલાડી અને બીજી ટીમમાં માર્ગદર્શક હોવાના કારણે તપાસ હેઠળ આવે છે જેના માટે સ્પષ્ટતા જરૂરી છે.

મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ આજીવન સભ્ય સંજીવ ગુપ્તા જેમણે ભૂતકાળમાં અનેક ખેલાડીઓ અને સંચાલકો સામે હિતોના સંઘર્ષની શ્રેણીબદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે એપેક્સ કાઉન્સિલના સભ્યોને એક પત્ર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એમએસ ધોનીની નિમણૂક હિતોના સંઘર્ષનું ઉલ્લંઘન કરે છે જેના હેઠળ વ્યક્તિ બે હોદ્દા પર રહી શકે નહીં.

એમએસ ધોની હાલમાં આઈપીએલ ૨૦૨૧ માં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે પણ નિયુક્ત છે, જેના કારણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે હા, સંજીવ ગુપ્તાએ સૌરવ ગાંગુલી અને જય શાહ સહિત એપેક્સ કાઉન્સિલના સભ્યોને પત્ર મોકલ્યો છે. તેમણે બીસીસીઆઈના બંધારણની કલમ ૩૮ (૪) નો ઉલ્લેખ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ બે અલગ અલગ હોદ્દાઓ રાખી શકે નહીં. એપેક્સ કાઉન્સિલને તેની કાનૂની ટીમ સાથે તેના સૂચિતાર્થની તપાસ કરવાની જરૂર પડશે.


બીસીસીઆઈનો વળતો જવાબ


આ મુદ્દે, બીસીસીઆઈના એક અધિકારી (જે આ બાબત સાથે સંબંધિત તમામ બાજુઓ પર કામ કરી રહ્યા છે) સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે ટીમની પસંદગી થઈ રહી હોવાથી આવી ફરિયાદ કરવા પાછળ કોઈ અર્થ નથી. કારણકે ટીમની પસંદગી થઇ ગઈ છે અને તે ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરશે. આ સિવાય આઈપીએલ બાદ ટી-૨૦ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને કોઈને ખબર નથી કે ધોની આગામી સીઝનમાં સીએસકે માટે રમશે કે નહીં. “આપણે બધા જાણીએ છીએ કે જ્યારથી નવા નિયમો અને દિશાનિર્દેશો અમલમાં આવ્યા છે, આવી ફરિયાદો માત્ર લોકપ્રિયતા અને જબરદસ્તી માટે વિવાદ ઉભી કરવા માટે કરવામાં આવી છે. આઈપીએલ બાદ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે.