લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026 |
2277
નાસિરનગરનાં સ્પોન્સર્ડ ગેરકાયદે ડીમોલિશનકાંડમાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર નાગરાજને જે ભૂલ કરી તેવી જ ભૂલ સરકારે રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપીને કરી છે. સુરત મહાનગર પાલિકાનાં પ્રવર્તમાન ઇન્ચાર્જ સિટી ઇજનેર મહેશ ચાવડા નાસિરનગરનાં ડીમોલિશન વખતે સેન્ટ્રલ ઝોનનાં વડા તરીકે ફરજ બજાવતાં હતાં અને તેમનાં કાર્યકાળમાં જ ગેરકાયદે ડીમોલિશન થયું હતું જેથી તેમની પણ જવાબદારી બનતી હતી તેમ છતાં નાગરાજને પાંચ સભ્યોની બનાવેલી હાઇલેવલ કમિટીમાં મહેશ ચાવડાનો સમાવેશ કરીને હાઇલેવલ કમિટી જ બાયસ હોવાનું પ્રાથમિક તબક્કે પ્રસ્થાપિત કર્યું હતું.
પૂર્વ કમિશનર નાગરાજન જેવી જ ભૂલનું પુનરાવર્તન હવે રાજ્ય સરકારે કર્યું છે. હાઇકોર્ટની ફટકાર પછી નાસિરનગર ડીમોલિશનકાંડની તપાસ માટે પ્રિન્સિપલ સેક્રેટરી થેન્નારસન અને રાજકુમાર બેનિવાલની બે સભ્યોની હાઇલેવલ કમિટીની રચના કરવામાં આવી હતી અને હજુ આ કમિટીનો રીપોર્ટ હાઇકોર્ટમાં સબમિટ થયો નથી ત્યાં રાજકુમાર બેનિવાલની સુરત મહાનગર પાલિકાનાં કમિશનર તરીકે નિમણૂક કરાઇ છે જે એક રીતે તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ગણી શકાય.
થેન્નારસન અને બેનિવાલની હાઇલેવલ કમિટીની રચનાને ૪૬ દિવસ થઇ ગયાં છે પરંતુ ડીમોલિશનકાંડમાં પ્રમુખ ભૂમિકા ભજવનાર મહાનગર પાલિકાનાં અધિકારીઓનાં નિવેદનો સુદ્ધા લેવામાં નથી આવ્યાં કે તેમને પુછપરછ માટે પણ બોલાવાયા નથી. હાઇલેવલ કમિટીએ ૬૦ દિવસમાં રીપોર્ટ સબમિટ કરવાનો છે પરંતુ બંને ઉચ્ચાધિકારીઓએ તપાસનાં નામે હજુ સુધી કંઇ ઉકાળ્યું હોય તેવું જણાતું નથી. થેન્નારસન રાજ્ય સરકારનાં અગ્રસચિવ છે અને બેનિવાલ હાઉસિંગ વિભાગનાં સચિવપદે હોવાથી તેમની તપાસ નિષ્પક્ષ રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી અને સુરત મહાનગર પાલિકાનાં સંબંધિત અધિકારીઓ પણ કોઇ ભય વિના પોતાના નિવેદનો આપી શકશે પરંતુ સરકારે ગઇકાલે શનિવારે મોડીરાત્રે એકાએક રાજકુમાર બેનિવાલની સુરત મહાનગર પાલિકાનાં કમિશનર તરીકે નિમણૂક કરતાં આશ્ચર્ય સર્જાયું છે. જે ઉચ્ચ અધિકારી નાસિરનગર ડીમોલિશનકાંડની તપાસ માટે હાઇલેવલ કમિટીનાં સભ્ય છે તે અધિકારી બેનિવાલને મ્યુનિસિપલ કમિશનર બનાવી દેવાતા હવે હાઇલેવલ કમિટીની તપાસ નિષ્પક્ષ કેવી રીતે થશે તે સવાલ ચર્ચાઇ રહ્યો છે. ગેરકાયદે ડીમોલિશનકાંડની તપાસને પ્રભાવિત કરવા માટે જ સરકારે રાજકુમાર બેનિવાલને મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂક્યાં તેવી પણ સંભાવના પણ અસ્થાને નથી કારણ કે, મ્યુનિસિપલ કમિશનર પદે બેનિવાલ હોય તેવા સંજોગોમાં તેમનાં હાથ નીચેનાં અધિકારીઓ ભય વિના પોતાનાં નિવેદન આપશે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. હાઇલેવલ કમિટીએ હજુ સુધી પોતાનો રીપોર્ટ સરકારને સબમિટ નથી કર્યો તે પહેલાં જ કમિટીનાં સભ્ય બેનિવાલને મ્યુનિસિપલ કમિશનર બનાવી દેવાતાં કમિટીનો રીપોર્ટ પણ બેનિવાલથી પ્રભાવિત હોવાની સંભાવના નકારી શકાતી નથી. સરકારનાં આ નવા પગલાંને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે હાઇકોર્ટમાં પડકારાય છે કે કેમ તે આગામી સુનાવણીમાં ખબર પડશે.