દિલ્હી-

કોરોના વાયરસનું જોખમ હજી ટળ્યું નથી. ઘણા દેશોમાં જ્યાં કોરોના કેસમાં ઘટાડો થયો હતો ત્યાં હવે સ્થિતિ ફરી ગંભીર બની રહી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય એજન્સી ઇન્ટરપોલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમિત પત્રો દ્વારા રાજનેતાઓને નિશાન બનાવી શકાય છે.

ઇન્ટરપોલ દ્વારા વિશ્વભરની સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ કોવિડ -19 થી સંક્રમિત દસ્તાવેજો અંગે સાવચેતી રાખે. ઇન્ટરપોલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોવિડથી સંક્રમિત પત્રો અથવા દસ્તાવેજો દ્વારા રાજકીય હસ્તીઓને નિશાન બનાવી શકાય છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ઇન્ટરપોલ દ્વારા વિશ્વના અન્ય દેશો સહિત ભારતની તપાસ એજન્સીઓને ચેતવણી પણ આપવામાં આવી છે, જેમાં વિવિધ પ્રક્રિયાઓના આધારે સર્વેલન્સ વધારવાનું કહેવામાં આવ્યું છે. 

ઈંટરપોલે કહ્યું છે કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય નેતાઓને નિશાન બનાવી અને તેમને કોરોનાથી સંક્રમિત પત્રો મોકલી શકાય છે. તેનાથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. ઇન્ટરપોલ અનુસાર વિશ્વના મોટા નેતાઓ અને દિગ્ગજોને ચેપ લગાડવાનું આ રીતે કાવતરું રચવામાં આવી રહ્યું છે.

દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ એજન્સીના અધિકારીઓ, ડોક્ટર્સ અને એશેંસિયલ વર્કર્સને ડરાવવા માટે તેમના ચહેરા પર ઉધરસ ખાવા અને થુંકવાના દાખલા સામે આવ્યા છે. જો આમ કરનાર લોકો કોરોના સંક્રમિત હોય તો જોખમ વધી શકે છે. આ ઉપરાંત કોઈ વસ્તુ પર ખાંસવા અને થુંકી અને જાણીજોઈને સંક્રમણ ફેલાવાના પ્રયત્નોની પણ સુચના મળી છે. કોવિડ-19થી સંક્રમિત પત્રો પણ મળ્યા છે જેના દ્વારા રાજકીય નેતાઓને ટાર્ગેટ કરી શકાય છે. આ સાથે જ ઈંટરપોલે તમામ વિભાગોને સતર્ક રહેવા કહ્યું છે.