સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં સગાવાદ અને ચમચાવાદના આરોપો થઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં બહારના લોકોને નજરઅંદાજ કરવામાં આવે છે તેવા આક્ષેપો પણ થાય છે. તેમાં હવે વિદ્યુત જામવાલની ફિલ્મને લઈને નવો વિવાદ શરૂ થઈ રહ્યો છે.

હકીકતમાં ટ્રેન્ડ વિશ્લેશક તરણ આદર્શે એક ટ્વિટ કરીને એવી જાણકારી આપી હતી કે બોલિવૂડની ઘણી ફિલ્મો હવે સિનેમાહોલને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. તેમાં તેમણે લક્ષ્‍મી બોમ્બ, ભૂજ, દિલ બેચારા, સડક-2, ધ બિગ બુલ, ખુદા હાફીઝ અને લૂટ કેસ જેવી ફિલ્મોનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે જે કલાકારોના ઉલ્લેખ કર્યા હતા તેમાં અક્ષય કુમાર, અજય દેવગણ, અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ અને વરુણ ઘવનનો સમાવેશ થતો હતો. આમ તેમણે વિદ્યુત જામવાલનો ક્યાંય ઉલ્લેખ કર્યો ન હતો.

વિદ્યુત જામવાલે આ મામલે તરણ આદર્શની ટ્વિટનો જવાબ આપ્યો છે કે સાત ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ રહી છે તે ખૂબ જ સારી વાત છે પરંતુ તેમણે સાતમાંથી પાંચ ફિલ્મોનું પ્રમોશન કરવાનું જ યોગ્ય સમજ્યું બાકીની બે ફિલ્મોનો તેમણે ઉલ્લેખ પણ કર્યો નહીં. મને લાગે છે કે અમારે હજી પણ ઘણો સંઘર્ષ કરવાનો બાકી છે. હકીકતમાં વિદ્યુત જામવાલ અને કૃણાલ ખેમુની ફિલ્મો પણ આવી રહી છે અને તે પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી છે પરંતુ તેમની કોઈ જાણકારી આપવામાં આવી ન હતી.

વિદ્યુતે આ ટ્વિટ કરી ત્યાર બાદ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ લખ્યું હતું કે તું બહારની વ્યક્તિ છો એટલે તારો ઉલ્લેખ કોઈ કરશે નહી. 14 જૂનના સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી બોલીવુડમાં નેપોટિઝમ અને ભાઈ ભત્રીજાવાદનો મુદ્દો ગરમાયો છે. તરણ આદર્શના ટ્વિટને લઈને કેટલાય ફેન્સે કહ્યું કે સ્ટાર કિડ્સની ફિલ્મોને ઈગ્નોર કરશે.