વડોદરા, તા.૨૦ 

લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતા કીસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શહેરના માંજલપુર સ્થિત શાલિન કોમ્પલેક્ષમાં આવેલ સી.પી.એન.એલ.નામની ખાનગી બેંકમાં ઉંચા વ્યાજે મેળવવાની લ્હાયમાં શહેરના સંખ્યાબંધ લોકોએ રુપિયાનું રોકાણ કર્યા બાદ બેંક દ્વારા રોકાણકારોને વ્યાજ સાથે આપેલા ચેંકો બેંકમાંથી બાઉન્સ થતાં રોકાણકારોએ આજે પોલીસ ભવન ખાતે પોલીસ કમિશ્નરને રજુઆત કરીહતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના માંજલપુર અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં સી.પી.એન.એલ નામની બેંકનો પ્રારંભ કરી બેંકના ઉચ્ચ પદાધિકારીઓએ લોકલક એજન્ટોની નિમણૂંક કરી રોકાણકારોને ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી હતી. જેથી લોકલ એજન્ટોએ તેમના મિત્ર વર્તુળ તથા સગા સંબંધીઓ તથા વેપારીઓ પાસેથી અલગ અલગ રકમોની બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવી એફ.ડી મુકાવી હતી. અંદાજે સાતસોથી આઠસો બેંકના ગ્રાહકો બનેલા લોકોએ કરોડો રુપિયા સી.એન.પી.એલ. બેંકમાં રોકાણ કર્યું હતું. જેની સામે બેંકના ભેજાબાજ સંચાલકોએ રોકાણકારો વિશ્વાસમાં લેવા માટેચેકો આપ્યા હતા. માંજલપુર વિસ્તારના રોકાણકારો બેંકે આપેલા ફીકસ તારીખ વ્યાજ સહિતના ચેકો બેંકમાં ભરતા એ તમામ ચેકો અપૂરતાં બેલેન્સને કારણે રીર્ટન થયા હતા. તે બાદ રોકાણકારોએ તેમના એજન્ટ થકી બેંકનાં અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે અધિકારીઓના સંપર્ક મોબાઈલ નંબરો સ્વીચ ઓફ આપી રહ્યાં છે.

અલબત સી.પી.એન.એલ. બેંકમાં રોકાણ કરનાર લોકો છેતરાયાનો અહેસાસ થતાં આજે પોલીસ કમિશ્નરને છેતરપીંડી તથા વિશ્વાસઘાત અંગેની રજુઆત કરી બેંકના સત્તાધીશો વિરુધ્ધ આવેદન આપ્યુું હતું.